Home ગુજરાત કોરોનાના સંકટ સમયે જામનગરના સત્તાધિકારીઓ દ્વારા પત્રકારોને માહિતી સમયસર ન આપી ઉપેક્ષા...

કોરોનાના સંકટ સમયે જામનગરના સત્તાધિકારીઓ દ્વારા પત્રકારોને માહિતી સમયસર ન આપી ઉપેક્ષા કરાતા CM સહિતના મંત્રીઓ-હોદ્દેદારોને પત્રકાર મંડળનો પત્ર

0

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર:

કોરોના સંકટ સમયના દિવસોમાં જામનગર જિલ્લાના સત્તાધિકારીઓ દ્વારા આવશ્યક માહિતી-વિગતો સમયસર નહીં આપી મીડિયા જગતની કરાતી ઉપેક્ષા અંગે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, વિધાનસભાના વિપક્ષીનેતા પરેશભાઈ ધાનાણી, કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ, રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ પુનમબેન માડમ, ગુજરાત રાજ્યના માહિતી વિભાગના કમિશ્નર અશોકભાઈ કાલરીયા અને સ્થાનિક ધારાસભ્યોને જામનગર પત્રકાર મંડળ દ્વારા પત્ર લખવામાં આવ્યો છે.

- Advertisement -

CMને સંબોધાયેલા આ પત્રમાં જામનગર પત્રકાર મંડળ દ્વારા લખવામાં આવ્યું છે કે, સમગ્ર વિશ્વ અને રાષ્ટ્રની સાથે આપણું રાજ્ય પણ કોરોના સંકટની આપત્તિનો સામનો કરી રહ્યું છે, તેવી વેળાએ આપને આ પત્ર લખવાની ફરજ પડી છે. તેના ઉપરથી જ વિષયની ગંભીરતા સમજી શક્યા હશો.

જામનગરની જી.જી.હોસ્પિટલમાં જામનગર ઉપરાંત સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓના કોરોના શંકાસ્પદ દર્દીઓના સેમ્પલનું પૃથક્કરણ કરવામાં આવે છે. જેની વિગતો પ્રેસ-મીડિયામાં આપવામાં અતિ વિલંબ કરી અને ઢીલી નીતિ છેલ્લા એક સપ્તાહ જેટલા સમયથી સબંધીત સ્થાનિક સરકારી સત્તાધિકારીઓ અપનાવી રહ્યા છે.

અત્યારના સંકટ સમયમાં મીડિયા મારફત સાચી માહિતી પ્રજા સુધી પહોંચાડવા માટે પ્રેસ-મીડિયાના મિત્રો પણ પોતાની ફરજ બજાવી રહ્યા છે. તે જાણતા હોવા છતાં જામનગર જિલ્લાના મોટાભાગના જિલ્લા અધિકારીઓ કોરોના સંક્રમણ અને તેની આનુષાંગિક બાબતોની વિગતો જાહેર કરવામાં હીંચકીચાટ અનુભવતા હોય તે રીતના વિલંબ કરવા ઉપરાંત મિડિયા અને અધિકારીઓના બનેલા વોટ્સએપ ગ્રુપમાં પણ મિડિયા વિશે અનઇચ્છનીય ભાષા પ્રયોગ કરી રહ્યા છે. જેના કારણે જામનગરનું પત્રકાર જગત સ્થાનિક તંત્ર વાહકોથી નારાજ છે.

આમ છતાં આ પ્રશ્ન જાહેરમાં લખીને પ્રવર્તમાન આપત્તિના સમયે કલુષિત વાતાવરણ ઊભું થાય નહીં તે માટે અન્ય કોઈ બાબતો પર હાલના તબક્કે ચર્ચા કે વિચાર કરતા નથી પરંતુ આપ જામનગર જિલ્લાના અધિકારીઓને આ મામલે પત્રકારો સાથે રચનાત્મક વલણ અપનાવે તે માટે યોગ્ય કરશો તેટલી જ માત્ર આશા સાથે આ પત્ર આપને લખ્યો છે. કેમ કે, જામનગરનું પ્રેસ-મિડિયા હમેંશની માફક પોજીટીવ રહે તે માટે તંત્રનો પણ પુરતો સહયોગ જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here