ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, ગીર સોમનાથ :
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે મંદિરમાં મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મહાશિવરાત્રી નિમિત્તે સોમનાથ મંદિર 26 ફેબ્રુઆરીએ સવારે 4 વાગ્યાથી સતત 42 કલાક સુધી ભક્તો માટે ખુલ્લું રાખવામાં આવશે.
મહાશિવરાત્રી નિમિત્તે સવારે 7 વાગ્યે પ્રાતઃ આરતી બાદ પાલખી યાત્રા નીકળશે. યજ્ઞશાળામાં લઘુરુદ્ર યાગ અને મહામૃત્યુંજય યજ્ઞનું આયોજન કરાયું છે. રાત્રે ચાર પ્રહરની મહાપૂજા અને મહા આરતી થશે.
સોમનાથના દરિયા કિનારે સવારે 8 વાગ્યે હજારો ભક્તો માટે પાર્થિવ શિવલિંગ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. ભક્તોને દર્શન અને ગંગાજળ અભિષેકનો લાભ મળે તે માટે સવારે 8 થી 11 અને બપોરે 1 થી 5 વાગ્યા દરમ્યાન ખાસ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત સંકીર્તન ભવન ખાતે ધ્વજા પૂજા માટે વિશેષ વ્યવસ્થા કરાશે. સોમેશ્વર મહાપૂજાના સ્લોટ્સ પણ બમણાં કરવામાં આવ્યા છે.
26 ફેબ્રુઆરી, 2025 સુધી સમુદ્ર દર્શન વોક-વે પર “સોમનાથ મહોત્સવ”માં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. ભક્તો માત્ર 25 રૂપિયામાં બિલ્વ પૂજા કરી શકશે. પોસ્ટ દ્વારા ભસ્મ, રુદ્રાક્ષ અને નમન પ્રસાદ મોકલવામાં આવશે. દિવ્યાંગ અને વૃદ્ધ ભક્તો માટે સ્વાગત કક્ષ ખાતે ગોલ્ફ કાર્ટ અને વ્હીલચેરની નિઃશુલ્ક સુવિધા ઉપલબ્ધ રહેશે.
મહાશિવરાત્રી નિમિત્તે સોમનાથ મંદિરમાં યાત્રીઓની વધતી સંખ્યાને અનુલક્ષીને લોકોની સુવિધા સચવાઈ રહે તેના માટે 3 દિવસ લાઈટ એન્ડ સાઉન્ડ શો બંધ રાખવામાં આવ્યો છે. અને મહાશિવરાત્રી નિમિત્તે વિશેષ વ્યવસ્થા તેમજ બંદોબસ્ત કરવામાં આવ્યો છે.