જામનગરમાં કિસાન સન્માન સમારોહ : 99,703 ખેડૂતોને પી.એમ.કિસાન સન્માન નિધિ યોજનાની રૂ.22.91 કરોડની સહાય અપાઈ

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર :

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જામનગર ખાતે જિલ્લા કક્ષાના કિસાન સન્માન સમારોહનું જિલ્લા પંચાયત પ્રમુખ મયબેન ગરસરના અધ્યક્ષ સ્થાને આયોજન કરાયું હતું.જેમાં બિહારના ભાગલપુર ખાતેથી વર્ચ્યુઅલ ઉપસ્થિત રહેલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પી.એમ.કિસાન નિધિ યોજનાના 19 માં હપ્તા સ્વરૂપે ડી.બી ટી. માધ્યમથી સહાય રકમનું વિતરણ કરાયું હતું જ્યારે ગાંધીનગર ખાતેથી કાર્યક્રમમાં જોડાયેલ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કૃષિ પ્રગતિ ‘કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર વેબ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશનનું ઇ-લોકાર્પણ તથા તુવેર ખરીદીનો શુભારંભ કરાવાયો હતો.આ પ્રસંગે જામનગર જિલ્લાના 99,703 ખેડૂતોને 22.91 કરોડની સહાય તેમના બેન્ક ખાતામાં જમા કરાવવામાં આવી હતી.

આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપ પ્રમુખ હસમુખભાઈ કણઝારીયાએ જણાવ્યું હતું કે, ખેડૂતોને વિવિધ કૃષિલક્ષી લાભો ઘર આંગણે જ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં કિસાન સન્માન સમારોહનું આયોજન હાથ ધરાયુ છે.દેશના ખેડૂતોને મળતી વિવિધ સરકારી સહાય અને લાભો ખેડૂતો સુધી સરળતાથી પહોંચે તેવું નક્કર આયોજન સરકાર દ્વારા ઘડવામાં આવ્યું છે.જેના પરિણામરૂપે આજે સહાયની પ્રક્રિયા ઝડપી અને પારદર્શી બની છે.અને તમામ પ્રકારની સહાય સીધી જ ખેડૂતોના બેન્ક ખાતામાં જમા થઈ રહી છે.સરકાર ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ટેકાના ભાવ આપી ખેત ઉત્પાદનોનું યોગ્ય વળતર આપી રહી છે તો સાથે જ ખેડૂતોની આવક બમણી થાય તે માટે અનેક કૃષિ લક્ષી યોજનાઓ અમલમાં મૂકી ખેડૂતોને મદદરૂપ થઈ રહી છે.

આ સમારોહમાં પીએમ કિસાન સન્માન નિધિની સાથે જામનગર જિલ્લાના કોલ્ડ સ્ટોરેજ, પાક સંગ્રહ સ્ટ્રક્ચર, પાવર થ્રેસર, ટ્રેક્ટર, રોટાવેટર, પ્લાઉ, ઓરણી સહિતની યોજનાના ખેડૂત લાભાર્થીઓને પણ રૂ.66.67 લાખથી વધુની સહાયનું વિતરણ કરાયુ હતું.તેમજ કાર્યક્રમ સ્થળે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા 13 જેટલા સ્ટોલનું નિર્માણ કરાયું હતું જેના માધ્યમથી ખેડૂતોએ પ્રગતિશીલ ખેડૂતોના પ્રાકૃતિક ઉત્પાદનો, બિયારણ વિતરણ તથા યોજનાકીય માહિતી, કૃષિ પ્રદર્શન, કૃષિ પેદાશ અને તેની મૂલ્યવૃદ્ધિ વગેરે બાબતોની તલસ્પર્શી માહિતી મેળવી હતી.

આ પ્રસંગે જિલ્લા કલેકટર કેતન ઠક્કર, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, શહેર પ્રાંત અધિકારી પરમાર, કૃષિ વૈજ્ઞાનિક કે.પી.બારૈયા, જિલ્લા ખેતીવાડી અધિકારી આર.એસ.ગોહિલ, નાયબ ખેતી નિયામક બી.એમ.આગઠ, નાયબ બાગાયત નિયામક કાતરિયા, આત્માના પ્રોજેકટ ડાયરેક્ટર કેતન ઠક્કર, મદદનીશ ખેતી નિયામક જે.જી.પટેલ, એમ.એન.પ્રજાપતિ, વિપુલ નાદપરા સહિત બહોળી સંખ્યામાં ખેડૂત ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.