જામનગરમાં મેયર વિનોદ ખીમસુરીયા એ સ્વતંત્રતા દિવસે તિરંગો લહેરાવ્યો

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગર મહાનગરપાલિકા દ્વારા ૧૫મી ઓગસ્ટ ના વોર્ડ નં. ૧૧, લાલવાડી શાળા નં. ૧ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મેયર વિનોદભાઈ ખીમસુર્યાના હસ્તે રાષ્ટ્ર ધ્વજ લહેરાવી તેને સલામી આપવામાં આવી હતી.

મેયર વિનોદભાઈ ખીમસુરીયા એ પ્રાસંગિક ઉદ્બોધન દરમિયાન સંબોધન કરતા શહિદો, સ્વાતંત્ર્ય સૈનાનીઓને યાદ કર્યા હતાં. ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં સૌના સાથ સહકારથી અગ્રામ હરોળમાં સ્થાન પામી જામનગરના વિકાસની રૂપરેખા આપતા તેમણે કહ્યું હતું કે રૂા. ૧૯૩ કરોડના ખર્ચે ફલાય ઓવર બ્રીજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.

લાલપુર બાયપાસ પાસે ૬ લેન એલીવેટેડ ફલાયઓવર બ્રીજનું રૂા. ૬૧.૮ર કરોડના ખર્ચે કામ ચાલુ છે. ભુજીયા કોઠા રેસ્ટોરેશન તથા રી-પ્રોડકશનનું કામ રૂા. ર૩.૪૧ કરોડના ખર્ચે હાલ પ્રગતિમાં છે. મહાનગરપાલિકાનું જનરલ બોર્ડનું બિલ્ડીંગ રૂા. ૮ કરોડના ખર્ચે બની રહ્યું છે.

આ ઉપરાંત રાજ્ય સરકારના મંત્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી અને રિવાબા જાડેજાનો પણ ગ્રાન્ટ ફાળવણી અને જરુરી માર્ગદર્શન તથા સાથ-સહકાર માટે આભાર વ્યકત કર્યો હતો.

મેયરે આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે નગરજનોને શુભકામના પાઠવી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના એક પેડ માં કે નામ સંકલ્પને ચરીતાર્થ કરવા માટે લોકોને સહભાગી થવા અનુરોધ કર્યો હતો.

આ ધ્વજ વંદન કાર્યક્રમમાં મેયર વિનોદભાઈ ખીમસુર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે. કમિટીના ચેરમેન નિલેશ કગથરા, શાસક પક્ષના નેતા આશિષ જોષી, શિક્ષણ સમિતિના ચેરમેન મનિષ કનખરા, કમિશનર ડી.એન. મોદી, ડી.એમ.સી. દેવેન્દ્રસિંહ ઝાલા, ચીફ ફાયર ઓફિસર કે.કે. બિશ્નોઈ, કોર્પોરેટરો, અધિકારીઓ, જામનગરના શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતાં.