સરસ્વતી સાધના યોજનાની ૧.૭૦ લાખ સાયકલોની ખરીદીમાં ભ્રષ્ટાચારની તપાસ કેમ થતી નથી? સરકાર સામે અમિત ચાવડા નો સવાલ

ગુજરાત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ગાંધીનગર :

વિધાનસભા ખાતે પત્રકાર પરિષદમાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા  અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ચારે તરફ ભ્રષ્ટાચાર આજે શિષ્ટાચાર બની ગયો છે એવી સ્થિતિનું નિર્માણ થયું છે. ભ્રષ્ટાચાર કરવામાં કોઈને શરમ નથી રહી, કોઈને સરકારનો ડર પણ નથી રહ્યો, તમામ નીતિ નિયમો નેવે મુકી ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર ગુજરાતમાં ચાલી રહ્યો છે. એનું કારણ છે કે તમામ ભ્રષ્ટાચારોમાં રાજ્ય સરકારમાં બેઠેલા મોટા નેતાઓની સામેલગીરી છે. એમના ઈશારે, એમના આશીર્વાદથી ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે.

ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારમાં દીકરીઓ દુરદુરથી અભ્યાસ કરવા માટે સ્કુલે જાય છે એમાં ધોરણ ૯ ની દીકરીઓને સાયકલ આપવાની સરસ્વતી સાધના યોજના છે. આ યોજના અંગે થોડા દિવસ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં આખું કૌભાંડ બહાર લાવવામાં આવ્યું હતું અને ૧૦ કરોડ કરતા વધારે રકમનો ભ્રષ્ટાચાર થયો એની વિગતવાર વિગતો આપવામાં આવી હતી. ૧ લાખ ૭૦ હજાર સાયકલો ખરીદવા માટે સરકાર ટેન્ડર બહાર પાડે છે, એ ટેન્ડરમાં માનીતી કંપનીઓને ઓર્ડર આપવા માટે કંપનીઓને ફાયદો કરાવવા માટે સાયકલના સ્પેસીફીકેશન અને ટેન્ડરની શરતો બદલવામાં આવે છે, ચોક્કસ કંપનીને ઓર્ડર મળે એવી રીતે આખું નેટવર્ક ગોઠવવામાં આવે છે. તમામ અભિપ્રાયો અને નીચેના અધિકારીઓના વાંધાઓને ઓવર રૂલ કરીને કોન્ટ્રાકટ આપવામાં આવે છે. એના વર્ક ઓર્ડર અપાય છે. અને એ કંપની દ્વારા IAS સ્ટાન્ડર્ડ કરતા હલકી કક્ષાની સ્પેસીફીકેશન કરતા ઉતરતી કક્ષાની સાયકલો સપ્લાય કરવામાં આવી એ સાયકલોને રાજ્યની EQDC લેબ દ્વારા ચકાસણી કરવામાં આવે છે તે ચકાસણીના સ્પેસીફીકેશન હતા એ રીપોર્ટમાં જવાબ આવે છે કે સાયકલની મજબૂતી માટેના IAS સ્ટાન્ડર્ડ મુજબ સાયકલની ફ્રેમ હોય એમાં બિલકુલ મળતા નથી એટલે કોઈપણ રીતે સાયકલ ટેન્ડરની શરતો મુજબ સ્વીકારી શકાતી નથી એવો લેબનો રીપોર્ટ આવ્યો. લેબના એ રીપોર્ટને આધારે એ સાયકલો આજે પણ અલગ અલગ જિલ્લાઓમાં ખુલેઆમ વરસાદમાં પલળી રહી છે, કાટ ખાઈ રહીં છે પણ દીકરીઓ સુધી પહોંચી નથી.

૧૬ જુલાઈના રોજ પ્રેસ કોન્ફરન્સ કરીને આમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ કરવા માટે મુખ્યમંત્રીને વિનંતી કરવામાં આવી હતી પરંતુ, આજે ૧૪ દિવસ થયા છતાં તપાસ કેમ નથી થતી, તપાસ થઇ હોય તો કોઈની સામે પગલા કેમ નથી લેવામાં આવ્યા? તમે સાચા હોય બધું નિયમ મુજબ હોય તો સાયકલોનું વિતરણ કેમ નથી થતું? આજે પણ વરસતા વરસાદમાં દીકરીઓને દુરદુરથી પલળતા, ચાલતા સ્કુલે જવું પડે છે. તમે કોને બચાવી રહ્યા છો? કોના ફાયદા માટે આ બધું થઇ રહ્યું છે? રાજ્યના મંત્રીઓ બળવંતસિંહ અને જગદીશભાઈ વિશ્વકર્મા એ વિભાગના મંત્રીઓ કેમ આ બાબતે ચુપ છે? કેમ મુખ્યમંત્રી કાર્યાલયમાંથી મક્કમ કે કડક કાર્યવાહી કરવાની સુચનાઓ કેમ નથી અપાતી? એનો સ્પષ્ટ મતલબ છે કે, આ સમગ્ર કૌભાંડમાં મુખ્યમંત્રી કાર્યાલય અને મંત્રી કાર્યાલયના લોકો પણ સંડોવાયેલા છે. એના કારણે આજે ૧૪ દિવસ થયા છતાં તપાસ થતી નથી, આટલો સમય થયો હોવા છતાં, નવું સત્ર શરુ થઇ ગયું તેમ છતાં હજુ અગલા ૨૦૨૩-૨૪ના વર્ષની સાયકલો દીકરીઓને અપાઈ નથી. જો આગલા વર્ષની અપાઈ નથી તો ચાલુ વર્ષની સાઈકલો ક્યારે મળશે ? એનો કોઈ અતોપતો નથી.

આમ લગભગ સાડા ત્રણ લાખ દીકરીઓને સાયકલથી વંચિત રાખવામાં આવી છે અને આ કરોડો રૂપિયાનું કૌભાંડ છે એને છુપાવવામાં આવી રહ્યું છે અને કોના લાભાર્થે તપાસ નથી થતી, કોનું હિત જોખમાય છે એની તાત્કાલિક તપાસ કરવામાં માટે ફરીથી મુખ્યમંત્રીને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક તપાસ કરો અને દીકરીઓને સાયકલ પહોંચાડો. તેમ વિધાનસભા કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ એક યાદી જાહેર કરી જણાવ્યું છે.