ભારે વરસાદમાં પૂરગ્રસ્ત કલ્યાણપુર તાલુકાના વિસ્તારોમાં સાંસદ પૂનમ માડમે પહોંચી જાત નિરીક્ષણ કર્યું

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, દેવભૂમિ દ્વારકા :

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તથા દ્વારકા તાલુકામાં અનરાધાર મેઘ વર્ષા થઈ હતી. જેને પગલે અનેક સ્થળો પર જિલ્લા વહીવટી તંત્ર અને રાષ્ટ્રીય આપદા મોચન દળ દ્વારા રેસ્કયુ કરવામાં આવ્યું હતું.જ્યાં શનિવારે સાંસદ પૂનમબેન માડમે ભારે વરસાદથી અસરગ્રસ્ત કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારો તથા ભાટીયા, કેનેડી, ગણેશગઢ, પાનેલી, ટંકારીયા, દેવળીયા, લાંબા સહિતના પંથકની સ્થિતિ અંગે જાત નિરીક્ષણ કરી અધિકારીઓ પાસેથી તલસ્પર્શી માહિતી મેળવી હતી.

સાંસદ દ્વારા સ્થાનિક આગેવાનો તથા ગ્રામજનો સાથે સંવાદ સાધી તેમના પ્રશ્નો સંભાળ્યા હતા. તેમજ ભારે વરસાદની સ્થિતિ બાદ જનજીવન પૂર્વવત થાય તે માટે ત્વરિત કામગીરી કરવા જિલ્લા વહીવટી તંત્રને તાકીદ કરી હતી.

ઉપરાંત સાંસદ પૂનમબેન માડમ દ્વારા ગુજરાત ડિઝાસ્ટર મેનેજમેન્ટ સુચારુ રૂપે અમલીકરણ કરવા તથા અસરગ્રસ્ત વિસ્તારમાં પાણી, આરોગ્ય, સઘન સફાઈ સહિત બાબતોની તકેદારી રાખવા વહીવટી તંત્રને જરૂરી દિશા નિર્દેશ આપ્યા હતા.

અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત વેળાએ દ્વારકા પ્રાંત અધિકારી એચ.બી.ભગોરા, તાલુકા વિકાસ અધિકારી ગૌરવ પરમાર, મામલતદાર આર.એચ.સુવા, અગ્રણી સુમાતભાઈ ચાવડા, જગાભાઈ ચાવડા, નથુભાઈ ચાવડા, દેવાયતભાઈ ગોજીયા, પરબતભાઇ વરુ, પરબતભાઇ ભાદરકા, વેલાભાઈ ચોપડા, કાનજીભાઈ ડાભી, ટપુભાઈ સોનગરા, રતનશીભાઈ, વિક્રમભાઈ બેલા સહિત સ્થાનિક આગેવાનો, સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.