સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટીની વાર્ષિક સાધારણ સભામાં વિદ્યાર્થી પ્રોત્સાહિત કરાયા

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગરમાં સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી દ્વારા વાર્ષિક સાધારણ સભા તથા વિદ્યાર્થી પ્રોત્સાહિત પુરષ્કાર – ૨૦૨૪ તાજેતરમાં શ્રી કેશવજી અરજણ લેઉવા પટેલ સમાજ રણજીતનગર, જામનગર મુકામે યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત પહેલા આપણા દેશના શહીદ થયેલ જવાનો અને રાજકોટ TRP ગેમઝોનમાં મૃત્યુ પામેલ તેમજ દિવંગત સભાસદોને મૌન પાળી શ્રદ્ધાંજલી આપ્યા બાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.

આ પ્રસંગે દીપ પ્રાગટ્ય અને બ્રહ્માંજલિ નૃત્ય કરી વાતાવરણને દિવ્યમય બનાવ્યું હતું. સોસાયટીના ચેરમેન કરશનભાઈ ગંગદાસભાઈ ટીંબડીયાએ મહેમાનોનું શબ્દપુષ્પ દ્વારા સ્વાગત કર્યું હતું. તેમજ મેનેજીંગ ડીરેક્ટર રવીન્દ્રભાઈ જેન્તીભાઈ દુધાગરાએ સોસાયટીનો પ્રગતિ અહેવાલ રજુ કર્યો હતો. સોસાયટીની ગતિમાન પ્રગતિને સભાસદોએ તાળીઓના ગળગળાટથી વધાવી લીધી હતી.

સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કો. ઓપ. સોસાયટી હંમેશા સમાજસેવાના કાર્યો માં અગ્રેસર રહી છે. એમાં પણ જો વાત બાળકોના અભ્યાસની હોય તો હંમેશા સોસાયટીના હોદેદારો બાળકોને પ્રોત્સાહિત કરતા આવ્યા છે.

બાળકોને પ્રોત્સાહિત કરવાના હેતુ થી ૨૧ જુલાઈ ૨૦૨૪ના દિવસે, જામનગરમાં સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીના સભ્યોના તેજસ્વી બાળકો માટે સન્માન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં, વિવિધ શૈક્ષણિક સ્પર્ધાઓ અને પ્રવાહમાં સિદ્ધિ મેળવેલા વિશિષ્ટ બાળકોનું આમંત્રિત મહેમાનોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં, કનુભાઈ કરકર એ બાળકોને સતત પુરુષાર્થ કરવા માટે અને તેમના સ્વપ્નોને પરિપૂર્ણ કરવા માટેની શીખ આપી હતી.

આ સમારોહમાં ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ કનુભાઈ કરકર, મનસુખભાઈ રાબડીયા (પ્રમુખ કેશવજી અરજણ લેઉવા પટેલ સમાજ), મુકુંદભાઈ સભાયા (ચેરમેન, માર્કેટીંગ યાર્ડ-જામનગર), ડી.એમ.બાવરવા (પૂર્વ ડીરેક્ટર N.I.C.M. ગાંધીનગર), સંજયભાઈ દતાણી, સરોજબેન જે. વિરાણી, ધીરૂભાઈ ગોંડલિયા, ચંદુભાઈ સંઘાણી, વિમલભાઈ પરમાર, સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીના ડીરેક્ટરો, સભાસદો, સમાજના અગ્રણીઓ તેમજ બહોળી સંખ્યામાં બાળકો અને તેમના વાલીઓ ઉપસ્થિત રહયા હતા. જેમાં કનુભાઈ કરકરે તથા વિમલભાઈ પરમારે પોતાના વક્તવ્યથી શ્રોતાઓને મોટીવેટ કર્યા હતા.

સોસાયટીના વા.ચેરમેન તુલશીભાઈ વાલજીભાઈ મુંગરાએ કાર્યક્રમને સફળ બનાવવામાં સહયોગી થનાર મહેમાનો, સભાસદો, કર્મચારીઓ અને કાર્યકર્તાઓનો આભાર માન્યો. આ સમગ્ર કાર્યક્રમના ઇન્ચાર્જ રમેશભાઈ પણસારાના માર્ગદર્શન હેઠળ સુંદર સંચાલન રાકેશભાઈ ચાંગાણી તથા પ્રતાપભાઈ સોઢા તેમજ અવનીબેન સાવલિયાએ કર્યું હતું.