જામનગરમાં ચાંદીપુરા વાઇરસના બે શંકસ્પદ દર્દીઓને લઈને જી.જી. હોસ્પિટલમાં કૃષિ મંત્રીએ દોડી સમીક્ષા કરી

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસના બે શંકાસ્પદ કેસો સામે આવતા જ ગુજરાત રાજ્યના કૃષિ, પશુપાલન, મત્સ્યોદ્યોગ, ગૌ સંવર્ધન, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જામનગરની ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં આવેલા શંકાસ્પદ કેસોને લઈને સમીક્ષા બેઠક યોજી હતી.

તાજેતરમાં રાજ્યમાં ચાંદીપુરા વાઈરસના શંકાસ્પદ કેસો મળી આવ્યા છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા આ રોગને નિયત્રંણમાં લેવા માટે તમામ પ્રકારના પગલાં લેવામાં આવ્યા છે અને સતત કામગીરી કરવામાં આવી રહી છે. જામનગર જિલ્લામાં ચાંદીપુરા વાઈરસના શંકાસ્પદ 2 કેસો મળી આવ્યા છે અને હાલમાં આ બંને બાળકોની સારવાર ચાલી રહી છે અને તેમનું સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. કૃષિમંત્રીએ ઉપસ્થિત સર્વેને જરુરી માર્ગદર્શન આપ્યા હતુંં અને વર્તમાન પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

કેબિનેટ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, જામનગર જિલ્લામાં ચાંદીપુરા વાઈરસને અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. ચાંદીપુરા વાઈરસના લક્ષણોમાં દર્દીને અચાનક તાવ આવે, ઉલટી ઉબકા થવા, આંચકી આવે અને શરીરમાંં કળતર થાય છે. આ વાઈરસ મચ્છર, માખી જેવા વાહકો દ્વારા ફેલાય થાય છે. આ રોગચાળો 9 માસથી લઈને 14 વર્ષના બાળકોમાં જોવા મળ્યો છે. તેને અટકાવવા માટે સમગ્ર શહેર અને જિલ્લામાં મચ્છરનાશક દવાનો છંટકાવ કરાવવો, સફાઈ કામગીરી, આરોગ્ય કર્મીઓને તાલીમબદ્ધ કરવાથી લઈને જનજાગૃતિ વધે તે રીતે સુચારુ આયોજન કરવામાં આવ્યું છે. ચાંદીપુરા વાઈરસને અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને નાગરિકો સાથે મળીને સાવચેતીના પગલાં લે તે આવશ્યક છે. જો તમારી આસપાસ આવા લક્ષણોવાળા કોઈપણ દર્દી ધ્યાનમાં આવે તો તાત્કાલિક રીતે નજીકના દવાખાનાનો સંપર્ક સાધવો જોઈએ જેથી આ વાઈરસ ફેલાતો અટકાવી શકાય.

આ મીક્ષા બેઠક દરમ્યાન જામનગર 79ના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, જી.જી.હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો.દીપક તિવારી, એમ.પી.શાહ મેડિકલ કોલેજના ડીન ડો.નંદિની દેસાઈ તેમજ અન્ય અધિકારીઓ હાજર રહી અને સમીક્ષા કરી હતી.