ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :
વિદ્યાર્થીઓમાં શિક્ષણથી જ લોકશાહીના પાઠ ભણાવવા નવી પહેલ જામનગર નજીક આવેલ વિભાપર ગામમાં વિદ્યાભારતી સંચાલિત શ્રી સરસ્વતી શિશુમંદિર શાળા માં શરૂ કરાઈ છે.
વિભાપરના શિશુ મંદિર શાળામાં ધોરણ 6 થી 9 ના ક્લાસ મોનીટર (કક્ષ પ્રમુખ)ની ચુંટણી યોજાઈ જેમાં મોડેલ મતદાન મથક,મતદાન ની વ્યવસ્થાઓ માટે અધિકારીઓ,મતદાન માટે ઇ.વી.એમ મશીન તેમજ વિદ્યાર્થીઓ એ જાતે પ્રચાર પ્રસાર કર્યો,અને ઉત્સાહ સાથે બધા વિદ્યાર્થીઓ મતદાન માં ભાગ લીધો હતો.
આ ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ ચૂંટણીના ચિન્હો અને પક્ષો નક્કી કર્યા હતા. બાદમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થતાં છેલ્લે ક્લાસ મોનીટર(કક્ષ પ્રમુખ)ના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. અને વિજેતા વિદ્યાર્થીઓનું વિજય સરઘસ કાઢી સન્માન કરાયું હતું. વિજેતા વિદ્યાર્થીઓ આ વર્ષ ક્લાસ મોનીટર (કક્ષ પ્રમુખ) તરીકે ફરજ બજાવશે.
આ ચૂંટણીથી વિદ્યાર્થીઓમાં મતદાનની વ્યસ્થા, સંચાલન અને મતદાનનો અનુભવ કરાવવા નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યો હતો. આ ચૂંટણી અંગેનું માર્ગદર્શન વિદ્યાલય ના આચાર્ય હેમાંશુભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું.