જામનગરની બેઠક પર ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ દ્વારા જીતની હેટ્રિક: કોંગ્રેસના ઉમેદવારનો પરાજય

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

સમગ્ર દેશમાં લોકસભાની સામાન્ય ચૂંટણી ની આજે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ૧ર-જામનગર લોકસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રીમતી પૂનમબેન માડમ સતત ત્રીજી વખત જંગી સરસાઈ થી વિજેતા થયા છે. અને જીત ની હેટ્રિક લગાવી છે.તેઓ નો આશરે ૨,૩૮૦૦૮ મત ની જંગી લીડથી વિજય થયો છે. રાજકોટ થી બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમભાઈ રૂપાલના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજનો જામનગર જિલ્લામાં પણ ચૂંટણી પ્રચાર દરમિયાન વિરોધ વંટોળ જોવા મળ્યો હતો, પરંતુ પરિણામ માં તેની કોઈ અસર જોવા મળી નથી.

જામનગર મા કાલે સવારે ૮ વાગ્યાથી હરિયા કોલેજમાં મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. શરૃઆતના બે-ત્રણ રાઉન્ડ સુધી કોંગ્રેસના ઉમેદવાર જે.પી. મારવિયા અને ભાજપના પૂનમબેન માડમ વચ્ચે ભારે રસાકસી જોવા મળી હતી. એક તબક્કે શરૃઆતમાં કોંગ્રેસના ઉમેદવાર આગળ પણ હતાં, પરંતુ ત્યારપછીના દરેક રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમે સરસાઈ મેળવી કોંગ્રેસના ઉમેદવાર ને ખૂબ પાછળ રાખી દીધા હતા.

જામનગર બેઠક પણ રૃપાલાના નિવેદનના વિવાદના પગલે ક્ષત્રિય સમાજના વિરોધ તેમજ ભાજપના આહિર ઉમેદવાર સામે કોંગ્રેસના લેઉવા પાટીદાર સમાજના ઉમેદવાર હોવાના કારણે ભારે રસપ્રદ બની રહી હતી.

ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમે તેઓના નામની પાર્ટીએ જાહેરાત કરી ત્યારથી પ્રચાર પડઘમ શાંત થયા ત્યાં સુધી દિવસરાત સમગ્ર હાલારના બન્ને જિલ્લામાં સઘન અને ઝંઝાવાતી પ્રવાસ-પ્રચાર કર્યો હતો. જામનગર જિલ્લા અને દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ સંગઠનના તમામ હોદ્દેદારો તેમજ વોર્ડ પ્રમુખ, પેઈજ પ્રમુખ સુધીના નાનામાં નાના કાર્યકરોએ પણ તનતોડ મહેનત કરી હતી. આ ઉપરાંત ભાજપ શાસિત ગ્રામ પંચાયતો, નગરપાલિકા, તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતોના પદાધિકારીઓ અને સભ્યોએ પણ ભાજપના પ્રચારમાં કોઈ કચાશ છોડી ન હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જામનગર નાં ઉમેદવાર મા પ્રચાર માટે જામનગર આવ્યા હતા અને સભા ગજાવી હતી.

જ્યારે તેની સામે કોંગ્રેસના ઉમેદવાર જે.પી. મારવિયાનો પ્રચાર ઘણો ઓછો રહ્યો હતો. ખંભાળિયા, ભાટિયા, જામનગર, ભાણવડમાં માત્ર નાની-મોટી સભા યોજાઈ હતી. કોઈ મોટા નેતા આવ્યા ન હતા, તેમજ કોંગ્રેસના સંગઠનના પદાધિકારીઓ તથા કાર્યકરોમાંથી મોટાભાગના પૂરેપૂરા સક્રિય રહ્યા ન હતા. આમ ભાજપના સંગઠન, પૂનમબેન માડમની વ્યક્તિગત લોકપ્રિયતા, ઝંઝાવાતી પ્રચાર, ન.મો.ની સભા વગેરે પરિબળોએ જામનગરની બેઠક ઉપર પૂનમબેન માડમના વિજયને નિશ્ચિત કરી દીધો હતો.

જામનગર લોકસભા બેઠકના મત ગણતરીના અંતિમ અહેવાલ પ્રમાણે ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમને ૬,૨૦,૦૪૯ મત અને કોંગ્રેસના ઉમેદવાર જે.પી. મારવિયાને ૩,૮૨,૦૪૧ મત મળ્યા હતાં. જેથી પૂનમબેન માડમ ૨,૩૮,૦૦૮ મત ની સરસાઈ મળી હતી. જામનગર બેઠક પરથી પૂનમબેન માડમની અને ભાજપ ની હેટ્રીક થવા પામી છે. ત્યારે કેન્દ્રમાં ભાજપના નેતૃત્વ સાથે એનડીએની સરકાર પણ સતત ત્રીજી વખત સત્તા પ્રાપ્ત કરે તેવા પરિણામો આવ્યા છે.

જામનગરમાં ક્ષત્રિય સમાજ ના આંદોલન ફેક્ટરની અસર ચાલી નથી. ચૂંટણી પ્રચાર દરમિયાન અનેક સ્થળે વિરોધ વંટોળ જોવા મળ્યો હતો. પરંતુ ચૂંટણીના પરિણામો પર તેની કોઈ ખાસી અસર જોવા મળી નથી. પરિણામે ભાજપ ઉમેદવાર શ્રીમતી પુનમબેન માડમનો સતત ત્રીજી વખત વિજય થયો છે, અને જીતની હેટ્રિક લગાવી છે.

જામનગરની બેઠક પર ‘નોટા’ માં ૧૧૦૮૪ મત પડ્યા

જામનગર લોકસભાની બેઠક નું આજે અપેક્ષા મુજબનું પરિણામ આવ્યું છે, અને ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમે જીત ની હેટ્રિક લગાવી છે, અને તેઓનો ૨,૩૮,૦૦૮ ની જંગી લીડ થી વિજય થયો છે. ત્યારે જામનગરની બેઠક પર ‘નોટા’માં ૧૧૦૮૪ મતદારોએ મતદાન કર્યું છે. આ મતદારોએ ભાજપ -કોંગ્રેસ કે અન્ય કોઈ ઉમેદવારને પસંદ કર્યા ન હતા, અને ‘નોટા’ મા પોતાનો મત નાખ્યો છે.

જેમાં ૭૬- કાલાવડમાં ૧૧૯૨ મત પડ્યા છે, ૭૭- જામનગર ગ્રામ્ય માં ૧૫૭૩ મત, ૭૮- ઉત્તર વિધાનસભા વિસ્તારમાં ૧૯૧૩ મત, ૭૯-દક્ષિણ વિધાનસભા વિસ્તારમાં ૧૫૫૫, ૮૦- જામજોધપુર વિધાનસભા વિસ્તારમાં ૧૨૬૨ મત, ૮૧- ખંભાળિયા વિધાનસભા વિસ્તારમાં ૧૬૯૮ અને ૮૨- દ્વારકા વિધાનસભા વિસ્તારમાં ૧૭૭૯ મતદારોએ ‘નોટા’માં મતદાન કર્યું છે. ઉપરાંત પોસ્ટ બેલેટ મારફતે પણ ૧૧૨ મતદારોએ ‘નોટા’માં મત આપ્યો છે. અને કુલ ૧૧૦૮૪ મત ‘નોટા’ ના ફાળે ગયા છે.

જામનગરની બેઠક પરથી ભાજપ-કોંગ્રેસ સિવાયના અન્ય તમામ ૧૨ ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી

જામનગર લોકસભાની બેઠક પર ભાજપ- કોંગ્રેસ સહિત કુલ ૧૪ ઉમેદવાર મેદાનમાં હતા, અને કુલ ૧૦,૫૧,૪૬૫ મત પડ્યા હતા. જે પૈકી ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ ને કુલ ૬,૨૦,૦૪૯ મત મળ્યા છે. જેની સામેં મુખ્ય પ્રતિસ્પર્ધી કોંગ્રેસના જે.પી. મારવિયાને ૩,૮૨,૦૪૧ મત મળ્યા છે, અને પૂનમબેન માડમ નો ૨,૩૮,૦૦૮ ની જંગી લીડ થી વિજય થયો હતો.

આ ઉપરાંત આ બેઠક પર અન્ય ૧૨ ઉમેદવારો એ પોતાની ઉમેદવારી નોંધાવી હતી, અને તમામ ઉમેદવારોને માન્ય મત કરતાં ૧૦ ટકા થી પણ ઓછા મત મળ્યા છે, જેથી તમામ અપક્ષ ઉમેદવારો એ પોતા ની ડિપોઝિટ ગુમાવી છે.