ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :
રિલાયન્સ ઈંડસ્ટ્રીઝ દ્વારા તાજેતરમાં જામનગર જિલ્લાના મોટી ખાવડી ખાતે વ્યસન મુક્તિ ઝુંબેશ અને ઓરલ કેન્સર સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન કરાયું હતું.
તા. 31 મે, 2024ના દિવસે વિશ્વભરમાં યોજાતા તમાકુ નિષેધ દિવસ નિમિત્તે મોટી ખાવડી સમાજવાડી ખાતે જામનગરની સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલના સહયોગથી આ કાર્યક્રમ યોજાયો હતો, જેનો કુલ 108 લોકોએ લાભ લીધો હતો.
ઉલ્લેખનીય છે કે, રિલાયન્સ ઈંડસ્ટ્રીઝ દ્વારા ગૃપ પ્રેસીડેન્ટ ધનરાજભાઈ નથવાણીના માર્ગદર્શન હેઠળ સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં નિયમિતપણે આરોગ્ય, શિક્ષણ, માળખાકીય સુવિધાઓ, સ્ત્રી કેળવણી અને સશક્તિકરણ સહિતના અનેક કાર્યક્રમો યોજાતા રહે છે.
વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે ડેન્ટલ સર્જનોની ટીમે વ્યસનની રીતો, તમાકુ અને ધૂમ્રપાનથી સ્વાસ્થ્ય માટેના જોખમો, મોંઢાના કેન્સરનાં લક્ષણો, તમાકુ કે ધૂમ્રપાન કેવી રીતે છોડવા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.
ડેન્ટલ કોલેજના મોંઢા તથા દાંતના વિવિધ રોગો અને તેને રોકવાના ઉપાયોની જનજાગૃતિ માટેનાં બેનરો અને પોસ્ટરોનું પ્રદર્શન ગોઠવી તે અંગે પણ વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. મોંઢાના કેન્સર અને તેના નિવારણ અંગે જાગૃતિ પેમ્ફલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ તબક્કે મોંઢાના કેન્સરની તપાસ પણ કરવામાં આવી હતી અને જરૂરી જણાય તેમને કાઉન્સેલિંગ અને યોગ્ય દવાઓ આપવામાં આવી હતી. જે દર્દીઓને ઓરલ સબમ્યુકોસલ ફાઇબ્રોસિસ, લ્યુકોપ્લાકિયા હોવાનું નિદાન થયું તેમને ડેન્ટલ હોસ્પિટલમાં ફોલોઅપ માટે સલાહ આપવામાં આવી હતી.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા છેલ્લા ચાર વર્ષથી આ પ્રકારની ઝુંબેશ અને સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન કરી ગ્રામજનો તેમજ અલ્પશિક્ષિત અને શ્રમજીવી વર્ગના લોકોને વ્યસનોથી મુક્ત કરવા અને મોઢાના કેન્સર જેવા જીવલેણ રોગથી બચાવવા માટે સતત પ્રયત્નો હાથ ધરાઈ રહ્યા છે.