ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, રાજકોટ :
સૌરાષ્ટ્રના રંગીલા શહેર રાજકોટમાં નાના મૌવા રોડ પર આવેલ ગેમ ઝોન મોત ઝોન બન્યો છે. શનિવારની સાંજે અચાનક જ ગેમઝોનમાં આગ લાગતા અફડા તફડી મચી ગઈ હતી. અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા 25 થી વધુ લોકોના મોત નિપજયા છે. જેને લઈને શનિવાર ગોઝારો બન્યો છે.
સૌરાષ્ટ્રના રાજકોટમાં નાના મૌવા રોડ પર સયાજી હોટલ પાછળ આવેલ TRP ગેમ ઝોનમાં ભર ઉનાળે લાગી ભયંકર આગ લાગતાં સમી સાંજે ધુંવાડાના ગોટે ગોટા કિલોમીટર સુધી જોવા મળ્યા હતા. ગેમ ઝોનમાં લોકો ફસાયા હોવાની માહિતી મળતા જ રાજકોટની ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યા હતા. અને રેસક્યુ હાથ ધરી આગના મલબા હેઠળ દબાયેલા લોકોને બહાર કાઢવા પ્રયાસો હાથ ધરાયા હતા.
શનિવારે મોડી સાંજે બનેલી આ ઘટનાને લઈને 25 થી વધુ લોકો મોતને ભેટ્યા હોય તેવા સમાચાર સામે આવ્યા છે અને હજુ પણ મોતનો આ આંક વધી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
તાત્કાલિક અસરથી રાજકોટની ગેમ ઝોન માં આગની ઘટના બાદ સમગ્ર ગુજરાત રાજ્યની અન્ય શહેરો અને જિલ્લાઓમાં ગેમ ઝોન બંધ કરાવી દેવામાં આવી હતી અને રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારને રૂપિયા ચાર લાખની આર્થિક સહાય તેમજ ઇજાગ્રસ્તોને 50,000 ની સહાય માટે જાહેરાત કરી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે તાત્કાલિક SIT ની રચના કરી તટસ્થ તપાસ સોંપી છે.
ગુજરાત સરકાર દ્વારા તાબડતોબ SIT ની રચના કરી રાજકોટના ગોઝારા આગકાંડમાં તપાસના આદેશ આપ્યા છે. આ સીટ ટીમમાં રાજ્યના કડક છબી ધરાવતા IPS સુભાષ ત્રિવેદીને અધ્યક્ષ બનાવાયા છે. જેની અધ્યક્ષતામાં રાજકોટના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર અને હાલના ટેક્નિકલ એજ્યુકેશન કમિશનર બંછાનીધી પાની, ફોરેન્સીક સાયન્સ ડાયરેક્ટર એચ.પી.સંઘવી સહીત 5 લોકોનો સમાવેશ થાય છે. આ સીટની ટીમ સમગ્ર આગકાંડની આ ઘટનાનો પ્રાથમિક અહેવાલ 72 કલાકમાં તેમજ વિગતવાર અભ્યાસલક્ષી અહેવાલ 10 દિવસમાં સરકાર સમક્ષ રજૂ કરે તેવી ખાસ સૂચના આપવામાં આવી છે. અને તાત્કાલિક અસરથી મોડી રાત્રે જ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને પણ રાજકોટ મોકલી વધુ તપાસ માટે આદેશ આપવામાં આવ્યા છે.