ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :
જામનગરમાં આવેલી સૌરાષ્ટ્રની સૌથી મોટી અને ગુજરાત રાજ્યની બીજા ક્રમની સરકારી ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલ અનેક વખત ચર્ચામાં આવી છે. હોસ્પિટલમાં દર્દીઓને પશુઓનો ત્રાસ સતાવી રહ્યો છે. ત્યારે છેલ્લા બે ત્રણ દિવસ પહેલા હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં કુતરા એટલે કે શ્વાન માસ ખાતો જોવા મળ્યો હતો. અને આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે.
જામનગરમાં આવેલી સરકારી ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલના નવી બિલ્ડીંગ તરીકે ઓળખાતા વિભાગોમાં આવેલા ઓપરેશન થિયેટરમાં બે-ત્રણ દિવસ પહેલા શ્વાન આંટા મારતા હતા. આ દરમિયાન એક શ્વાન હોસ્પિટલના ઓપરેશન થિયેટર અંદર અને દર્દીના બેડ નીચે ખુલ્લેઆમ આંટાફેરા કરી મોઢામાં માસ જેવો પદાર્થ લઈને ફરતો હતો એવો વિડિયો અને ફોટા વાયરલ થયા હતા. આ સમગ્ર ઘટના બહાર આવતા હોસ્પિટલ તંત્ર અને સિક્યુરિટી સામે અનેક સવાલો ઊભા થયા છે.
આ મામલો બહાર આવતા જ સફાળા જાગેલા હોસ્પિટલ તંત્રના ડો. દિપક તિવારીએ તપાસના આદેશ આપ્યા છે. અને જવાબદારો સામે કાર્યવાહી કરવા પણ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું છે.