બાલાચડી સૈનિક સ્કૂલના બેન્ડ માસ્ટરને સગીર વિદ્યાર્થીઓ સાથે અડપલાની ફરિયાદ બાદ પોલીસે ધરપકડ કરી

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં આવેલી પ્રખ્યાત બાલાચાડી સૈનિક સ્કૂલમાં રહીને અભ્યાસ કરતા ૧૨ વર્ષેનાં બે સગીર વિદ્યાર્થીઓ સાથે શારીરિક અડપલા થયાનો મામલો પ્રકાશમાં આવ્યો છે, અને સૈનિક સ્કૂલના બેન્ડ માસ્ટરની લંપટલીલા પોલીસ મથક સુધી પહોંચતાં ભારે ચકચાર જાગી છે. પોલીસે લંપટ બેન્ડ માસ્ટર સામે બાળકોની જાતીય સતામણી સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યા બાદ તેની ધરપકડ કરાઇ છે.

જામનગર જિલ્લાના જોડીયા પંથકમાં આવેલ બાલાચડી સૈનિક સ્કૂલ માં ૧૨ વર્ષની ઉંમરના બે બાળ વિદ્યાર્થીઓ ત્યાં જ રહીને અભ્યાસ કરે છે, તેની સાથે સૈનિક સ્કૂલના બેન્ડ માસ્ટર મૂળ રાજસ્થાનના જોધપુરના વતની પવન કુમાર જગદીશ કુમાર ડાંગી એ અજુગતું વર્તન કર્યું હોવાનો મામલો સૈનિક સ્કૂલ ના પ્રિન્સિપાલ સુધી પહોંચ્યો હતો .

આ લંપટ બેન્ડ માસ્ટરે બંને બાળ વિદ્યાર્થીઓ સાથે ગત ૭,મે,૨૦૨૪ થી ૧૨,મે,૨૦૨૪ સુધીના સમયગાળામાં શારીરિક અડપલા કર્યા હોવાની અને બાળકોની જાતીય સતામણી કરી હોવાની ફરિયાદ સ્કૂલના આચાર્યને મળી હતી.

આ સમગ્ર ઘટના અંગે સૈનિક સ્કૂલના આચાર્ય નીતિનભાઈ મહેતા દ્વારા સમગ્ર મામલાને જોડિયા પોલીસમાં મથકમાં લઈ જવાયો હતો, અને લંપટ બેન્ડ માસ્ટર પવન કુમાર જગદીશ કુમાર ડાંગી સામે ફરિયાદ નોંધાવતાં જોડિયા પોલીસે જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ ની કલમ મુજબ ગુનો નોંધ્યો છે. આ બનાવને લઈને શિક્ષણ જગતમાં ભારે ચકચાર મચવી છે. અને આ શાળામાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીના વાલીઓમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે. જ્યારે સમગ્ર ઘટનામાંં તાબડતોબ પોલીસે લંપટ બેન્ડ માસ્ટર ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.