જામનગરમાં તપોવન ફાઉન્ડેશન દ્વારા સર્વ જ્ઞાતિય મા-બાપ વિહોણી ૧૧ દિકરીઓના જાજરમાન “કન્યાદાન લગ્નોત્સવ-૨”નું આયોજન

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

તપોવન ફાઉન્ડેશન – જામનગર દ્વારા અનેકવિધ સેવાકીય અને સમાજીક પ્રવૃત્તિઓ થાય છે. આ પ્રવૃત્તિઓમાં વધુ એક મોરપીંછ સમાન અનેરા સમુહ લગ્નનું કરી એકવાર તા. ૧૭-૧૧-૨૦૨૪ ને રવિવારના સંતો, મહંતોની ઉપસ્થિતીમાં તેમના આશિર્વાદ સાથે થવા જઈ રહ્યું છે.

સમાજમાં અલગ-અલગ જ્ઞાતિઓ પોતાની જ્ઞાતિના સમુહ લગ્નનું આયોજન કરતી હોય છે, સેવાકીય સંસ્થાઓ દ્વારા પણ સર્વ જ્ઞાતિના સમુહ લગ્નનું આયોજન થતું હોય છે, પરંતુ મા-બાપ વિહોણી અથવા તો પિતા વિહોણી સર્વ જ્ઞાતિની દિકરીઓના સમુહ લગ્નનું આયોજન જામનગરમાં તપોવન ફાઉન્ડેશન દ્વારા ફરી એકવાર “કન્યાદાન લગ્નોત્સવ-૨” તરીકે થઈ રહ્યો છે. આ લગ્નોત્સવમાં અલગ-અલગ જ્ઞાતિઓની ૧૧ દિકરીઓ સમુહ લગ્ન દ્વારા પ્રભુતામાં પગલા માંડશે.

આ “કન્યાદાન લગ્નોત્સવ-૨” માં તપોવન ફાઉન્ડેશન આવી દિકરીઓના માતા-પિતાના કર્તવ્યભાવે સમૃધ્ધ કરીયાવર દરેક દિકરીઓને આપશે. આ પ્રસંગની વિષેશતા એ છે કે, દિકરી ના હોય તેવા માતા-પિતા કન્યાદાનના આ પૂર્ણ કાર્યનો લાભ લે તેવો પણ ભાવ છે. આ લગ્નોત્સવની વિશેષતા એ છે કે, હિન્દુ શાસ્ત્રોક વિધિ જેવી કે, લગ્ન લખવાની વિધિ, ગણેશ સ્થાપન, મંડપ મૂહુર્ત, ગૃહ શાંતિ, હસ્ત મેળાપ અને સપ્તપદિના ફેરા સહિતની તમામ વિધિઓ વિદ્વાન પંડિતો દ્વારા કરાવવામાં આવશે. તેમજ દિકરીઓને મહેંદી અને બ્યુટી પાર્લરની વ્યવસ્થા પણ સંસ્થા દ્વારા કરવામાં આવશે, આ ઉપરાંત સમુહ લગ્નના વરરાજાઓનો વરઘોડો એક સાથે નીકળશે અને લગ્ન મંડપે પહોંચશે. અને બહારગામથી આવતી જાનના સભ્યોને ઉતારાની, ભોજનની તેમજ વરરાજાને તૈયાર કરવાની વ્યવસ્થા પણ સંસ્થા દ્વારા થનાર છે.

આ સમુહ લગ્નમાં લાભ લેવા માટે ઈચ્છુક વ્યક્તિઓ એ ફોર્મ તા. ૧૬-૫-૨૦૨૪ થી તા. ૬-૬-૨૦૨૪ સુધીમાં તપોવન ફાઉન્ડેશન, C/o. શિવ શક્તિ માર્કેટીંગ, શરૂ સેકશન રોડ, આશાપુરા હોટલ પાસે, જામનગર-૩૬૧૦૦૧. સમય : સવારે ૧૦:૦૦ થી ૧:૦૦ અને સાજે : ૫:૦૦ થી ૮:૦૦ દરમ્યાન મેળવી લેવાના રહેશે. તેમજ તેમાં જણાવેલી સંપૂર્ણ વિગતો ભરીને તા. ૧૬-૬-૨૦૨૪ સુધીમાં પરત આપવાના રહેશે. કાયદા મુજબ લગ્ન માટેની ઉંમર ધરાવનાર કન્યા તેમજ યુવક ને સમુહ લગ્ન માટે યોગ્ય ગણવામાં આવશે.

આ સમુહ લગ્ન ગૌરવશાળી રીતે પૂર્ણ થાય તે માટે તેમજ સફળ બનાવવા માટે ફાઉન્ડેશનના ફાઉન્ડર રાજેનભાઈ જાની, ટ્રસ્ટી વસુબેન ત્રિવેદી (પૂર્વ રાજ્યમંત્રી), ટ્રસ્ટી પરેશભાઈ જાની સતત પણે તેમના કાર્યકર્તાઓની ટીમ સાથે કાર્યરત છે.

આ અનોખા લગ્નોત્સવ અંગે જામનગરના લેઉવા પટેલ સમાજ ખાતે પત્રકાર પરિષદ યોજી માહિતી આપવામાં આવી હતી.