જામનગર જિલ્લો મતદાન માટે સજ્જ : મતદારો માટેની માર્ગદર્શિકા અને મતદાન મથકો ખાતેની સુવિધાઓ કરાઈ

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગર જિલ્લામાં આવતીકાલે શાંતિપૂર્ણ વાતાવરણમાં સમગ્ર મતદાનની પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટર બી. કે.પંડયાના માર્ગદર્શન હેઠળ ચૂંટણીલક્ષી તમામ કામગીરી કરાઇ રહી છે. અને મતદાન મથકો ખાતે જામનગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.

મતદાનનો સમય તા.7 મે સવારના 7:00 વાગ્યાથી સાંજના 6:00 વાગ્યા સુધીનો છે. મતદાર માહિતી કાપલી માત્ર માહિતી માટે જ છે મતદાન માટે ઓળખનો પુરાવો નથી. મતદાન મથકે મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ છે. મતદાન માટે સવેતન રજા મળે છે. જો ન મળે તો 1950 પર ફરિયાદ કરી શકાય છે. દરેક નાગરિકે પોતાની મતદાનની ફરજ નિભાવી સપરિવર મતદાન કરવા અવશ્ય જવું જોઈએ.

મતદારો માટે ચૂંટણીકાર્ડ સિવાય વૈકલ્પિક પુરાવા :-
મતદારો જ્યારે મતદાન કરવા જાય ત્યારે મતદાર કાપલી સિવાય પણ એક પુરાવો લઈ જવાનો રહેશે. જેમાં ચૂંટણીકાર્ડ, આધારકાર્ડ, મનરેગા જોબ કાર્ડ, પાસબુક(બેન્ક/પોસ્ટ ઓફિસ દ્વારા ઇસ્યુ કરાયેલ ફોટો સાથેની), લેબર મિનિસ્ટ્રી દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ હેલ્થ ઈન્સ્યોરન્સ કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાનકાર્ડ, સ્માર્ટકાર્ડ(NPR અંતર્ગત RGI દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ), ભારતીય પાસપોર્ટ, ફોટો સાથેનું પેન્શન ડોક્યુમેન્ટ, રાજ્ય/કેન્દ્ર સરકાર,પી.એસ.યુ. દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ ફોટા સાથેનું સેવા ઓળખપત્ર, ઓફિશિયલ આઈ. ડી. કાર્ડ (એમ.પી./એમ. એલ.એ), યુનિક ડિસેબીલીટી આઈડી માન્ય રહેશે.

મતદાન મથક ખાતેની સુવિધાઓ :-
વ્હીલકહેર, સ્વયંસેવક, લઘુતમ સુવિધાઓ જેવી કે પીવાનું પાણી, દિવ્યાંગો માટે રેમ્પ, ટોઇલેટ વગેરે, તમામ મતદાન મથકના સ્થળોએ મતદાન સહાયતા બુથ, ઓઆરએસ, મેડિકલ કીટ, બેસવા માટેની ખુરશીઓ, પંખો, શેડ તેમજ 85થી વધુ વયના મતદારો અને 40% થી વધુ દિવ્યાંગતા ધરાવતા મતદારો માટે ફ્રી ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.