ધ્રોલમાં કરુણાંતિકા, રમતા બાળકો ઈમારત ધરાસાઈ થતા દટાયા, એકનું મોત

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકા મથકે આવેલ એક જર્જરીત ઇમારત ધરાશાયી થઈ છે. આ દુર્ઘટનામાં સ્થાનિક ઝુપડપટ્ટી વિસ્તારમાં રહેતા બાળકો દટયા હોવાથી સ્થાનિક લોકોએ રેસ્ક્યું હાથ ધરી બે બાળકોને બહાર કાઢી હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. જેમાંથી એકનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.

જામનગરના ધ્રોલ પંથકમાં બનેલી દુર્ઘટનામાં નુરી હાઈસ્કૂલ સામે આવેલ ઝૂંપડપટ્ટી પાસે જ ખખડધજ હાલતમાં ઇમારત અચાનક જ સાંજના પાંચ સવા પાંચ વાગ્યાના અરસામાં ધરાશાયી થઈ હતી. અને આ ઘટનામાં જ ત્રણથી ચાર બાળકો ઇમારતના કાટમાળમાં દટાયા હતા. જેથી સ્થાનિકોએ જેસીબી લાવી રેસ્ક્યુ હાથ ધર્યું હતું. અને બે બાળકોને બહાર કાઢી સારવાર માટે ખસેડ્યા હતા. જેમાંથી ગોપાલ સાડમિયા નામના 9 વર્ષના બાળકનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત આરોહી પરમાર નામની 7 વર્ષની બાળકીને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી હતી.

જો કે, આ સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક વહીવટી તંત્રના પોલીસ તંત્ર સિવાયના કોઈપણ અધિકારીઓ કે ધ્રોલ નગરપાલિકાનું ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યું નથી. જેને લઇને ચો તરફથી નિષ્ક્રિયતાને લઈને તંત્ર પર ફિટકાર વરસી રહ્યો છે.