ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, પોરબંદર :
લોકસભાની ચૂંટણીને લઈને પોરબંદર લોકસભા ક્ષેત્રના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાના ચૂંટણી પ્રચાર અર્થે જામકંડોરણા ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે વિજય વિશ્વાસ સંમેલન માં સંબોધન કર્યું હતું.
આગામી લોકસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં લોકોને મતદાન માટે અપીલ કરવા ભાજપના ટોચના નેતાઓ રેલી સભાઓ ગજવી રહ્યા છે ત્યારે પોરબંદર લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટી દ્વારા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા ને મેદાને ઉતારવામાં આવ્યા છે. ત્યારે પોરબંદર બેઠક ભાજપ દ્વારા પાંચ લાખની લીડ સાથે જીતવા નિર્ધાર કરવામાં આવ્યો છે. ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહનો મુકામ જામકંડોરણામાં જોવા મળ્યો હતો.
પોરબંદર લોકસભા મતવિસ્તારમાં આવતા અને રાદડિયા ના ગઢ ગણાતા જામકંડોરણામાં કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે વિજય સંકલ્પ સભાને સંબોધિત કરી હતી. અને ભાજપ દ્વારા કેન્દ્રમાં સત્તા સ્થાને આવ્યા બાદ થયેલા વિકાસની ગાથા વર્ણવી લોકોને ભાજપના ઉમેદવારને મત આપી વિજય બનાવવા આહવાન કર્યું હતું. આ તકે કેન્દ્રીય આરોગ્ય મંત્રી તેમજ પોરબંદર લોકસભાના ઉમેદવાર ડો. મનસુખ માંડવીયા, જામકંડોરણા ના ધારાસભ્ય જયેશ રાદડિયા, પૂર્વ મંત્રી દિલીપ સંઘાણી, પૂર્વ સાંસદ રમેશ ધડુક તેમજ ભાજપના વિધાનસભાના ઉમેદવાર અર્જુન મોઢવાડિયા સહિતના અગ્રણીઓ જોડાયા હતા.
૧૧-પોરબંદર લોકસભા ક્ષેત્રના જામકંડોરણાના કુમાર છાત્રાલય ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે “વિજય સંકલ્પ સભા”માં ઊમટેલ જનમેદનીને સંબોધી, લોકોના વિશ્વાસ, ઉત્સાહ અને ભાજપ પ્રત્યેના પ્રચંડ સમર્થનને લઈને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.