ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :
જામનગર જિલ્લા પંચાયત પ્રમુખ મેયબેન ગરસરના અધ્યક્ષ સ્થાને જામજોધપુર મુકામે આવેલ નવિન એસ.ટી.ડેપો – વર્કશોપનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો હતો. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જામનગર વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમમાં જુના અને જર્જરિત ડેપો-વર્કશોપને ડિમોલીશ કરીને આર.સી.સી. ફ્રેમ સ્ટ્રક્ચરવાળા નવિન ડેપો તથા વર્કશોપનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રૂ.૪.૦૨ કરોડના ખર્ચે બનનાર નવિન એસ.ટી.ડેપો – વર્કશોપ ખાતે વહીવટી ઓફીસ, સ્ટોર રૂમ, ઓઇલ રૂમ, ટાયર રૂમ, બેટરી રૂમ, રેકર્ડ રૂમ, સ્ટોર રૂમ, ઇલેક્ટ્રિક રૂમ, વર્કર્સ રેસ્ટ રૂમ, કોમન ટોઈલેટ બ્લોક, ડેપો મેનેજરની ઓફિસ, જેવી અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવશે.
આ ખાતમુહૂર્ત પ્રસંગે ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે જામજોધપુર મુકામે ગુજરાત સરકાર દ્વારા નવિન ટેકનોલોજીથી સજ્જ આધુનિક એસ.ટી.ડેપો તથા વર્કશોપ બનવા જઈ રહ્યું છે, ત્યારે ખૂબ આનંદની લાગણી થાય છે.વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સરકાર બન્યા પછી દરેક ક્ષેત્રોમાં ખૂબ મોટું પરિવર્તન આવ્યું છે અને અનેક જનકલ્યાણકારી કાર્યો થયા છે. ગુજરાત સરકારે અદ્યતન સુવિધાઓયુક્ત નવિન એસ.ટી. બસો અને અત્યાધુનિક સુવિધાસભર બસપોર્ટ આપી લોકોની સુવિધામાં ઉમેરો કર્યો છે.ગુજરાત એસ.ટી.નું જામજોધપુર ડિવિઝન ખૂબ મોટું ભગીરથ કાર્ય કરે છે. આજે ગુજરાતના ગામે ગામ એસ.ટી. બસો પહોંચે છે. ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીનો આભાર વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું કે ગુજરાત સરકારે એસ.ટી. બસોની ટેકનિકલ જરૂરીયાતો માટે વર્કશોપના નવિનીકરણ માટે ખૂબ ઉદાર હાથે મંજૂરી આપી છે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મેયબેન ગરસર, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, પૂર્વ કેબિનેટ મંત્રી ચીમનભાઈ સાપરીયા, જામજોધપુર એ.પી.એમ.સી. ચેરમેન બ્રિજરાજસિંહ જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મૂંગરા, જામનગરના વિભાગીય નિયામક બી.સી.જાડેજા, પરિવહન નિરીક્ષક ઇશરાની તથા એસ.ટી.ના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.