Home ગુજરાત વર્લ્ડ હેરીટેજ રાણીકી વાવની મુલાકાત દરમ્યાન ટુરીઝમ અને કલ્ચર વિભાગના કેન્દ્રિય મંત્રી...

વર્લ્ડ હેરીટેજ રાણીકી વાવની મુલાકાત દરમ્યાન ટુરીઝમ અને કલ્ચર વિભાગના કેન્દ્રિય મંત્રી પટેલે આવી નોંધ કરી

0

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, પાટણ: (સુનિલ પટેલ)

વર્લ્ડ હેરીટેજ રાણીકી વાવની મુલાકાત લેવા ટુરીઝમ અને કલ્ચર વિભાગના કેન્દ્રિય રાજ્યમંત્રી પ્રહલાદસિંઘ પટેલ આવી પહોંચ્યા હતા. કચ્છ ખાતે યોજાનાર અખિલ ભારતીય પ્રવાસન મંત્રી પરિષદમાં ઉપસ્થિતી પહેલા મંત્રીએ રાણકી વાવની સ્થાપત્ય કલા નિહાળી વૃક્ષારોપણ પણ કર્યું હતું.

- Advertisement -

પાટણ ખાતે શિલ્પ અને સ્થાપત્યના બેજોડ નમૂનારૂપ રાણીકી વાવને ગુજરાત સરકાર દ્વારા પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવી છે ત્યારે ટુરીઝમ અને કલ્ચર વિભાગના કેન્દ્રિય રાજ્યમંત્રી પ્રહલાદસિંઘ પટેલે રાણીકી વાવ નિહાળી આ મૂલ્ય વારસાની પ્રશંસા કરી હતી.

કેન્દ્રિય મંત્રીએ જણાવ્યું કે, આપણી સંસ્કૃતિ, આપણા ઈતિહાસ અને વાસ્તુકળાને પુનઃસ્થાપિત કરવાનું કામ ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે તેનું આ પ્રતિષ્ઠિત ઉદાહરણ છે. સંભવતઃ કોઈ યંત્રોની મદદ વગર ૧૧મી સદીમાં બાંધવામાં આવેલી સ્થાપત્યના બેજોડ નમૂનારૂપ વાવ તે સમયના શિલ્પ કારીગરોના કૌશલ્યને ઉજાગર કરે છે. રાણીકી વાવમાં આપણા પૂર્વજોએ કઈ રીતે રોજીંદા કામની સાથે સંસ્કૃતિ અને પરંપરાને વણી લીધી છે તે આવનારી પેઢીએ સમજવાની જરૂર છે.

રાણીકી વાવની વિઝીટર બુકમાં કેન્દ્રિય મંત્રીએ નોંધ્યું કે, રાણીકી વાવ પાટણને જોવાનો અવસર પ્રાપ્ત થયો કે જે પુરાતત્વ સંરક્ષણની મિસાલ છે. ઐતિહાસિક, સાંસ્કૃતિક અને વાસ્તુકળાની આ ધરોહરને પુનઃસ્થાપીત કરવા ભારતીય પુરાતત્વ પરિવારને અભિનંદન.

કચ્છ ખાતે યોજાનાર અખિલ ભારતીય પ્રવાસન મંત્રી પરિષદમાં ઉપસ્થિત રહેનાર ટુરીઝમ અને કલ્ચર વિભાગના કેન્દ્રિય રાજ્યમંત્રી પ્રહલાદસિંઘ પટેલ મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે આવેલા સૂર્ય મંદિરની મુલાકાત બાદ આજે પાટણ ખાતે રાણીકી વાવની સપરીવાર મુલાકાતે આવ્યા હતા. યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામેલી રાણીકી વાવની સ્થાપત્ય કળા અને બેનમૂન શિલ્પ કારીગરી જોઈ કેન્દ્રીય મંત્રી અભિભૂત થયા હતા. મંત્રીએ વાવના સંવર્ધન અને સંરક્ષણની ઉત્કૃષ્ટ કામગીરી માટે ભારતીય પુરાતત્વ વિભાગને અભિનંદન પાઠવ્યા હતા. રાણીકી વાવની મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રીએ વાવના પટાંગણમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here