6 જાન્યુઆરીએ રાજકોટના સામાકાંઠે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડનું ભવ્ય સ્નેહમિલન

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, રાજકોટ :

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના નેજા હેઠળ કામ કરતી શ્રી ખોડલધામ ઈસ્ટ ઝોન સમિતિ રાજકોટ શહેર (વોર્ડ નંબર. 4,5 અને 6) દ્વારા રાજકોટ શહેરના સામાકાંઠે આગામી તારીખ 6 જાન્યુઆરી ને શનિવારના રોજ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ શહેરના કુવાડવા રોડ પર 80 ફૂટ રોડ પર આવેલા કાર્તિક ફાર્મ ખાતે શ્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં સ્નેહમિલન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા સર્વ સમાજના લાભાર્થે નિર્માણ પામનાર અદ્યતન કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરનું આગામી તારીખ 21 જાન્યુઆરી, 2024ના રોજ ભૂમિપૂજન થનાર છે ત્યારે આ કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના ભૂમિપૂજન સમારોહનું આમંત્રણ આપવા અને ભૂમિદાન માટે સૌને સંકલ્પબદ્ધ કરવાના આશય સાથે શ્રી નરેશભાઈ પટેલ આ સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપશે.

રાજકોટ શહેરના કુવાડવા રોડ પર 80 ફૂટ રોડ પર આવેલા કાર્તિક ફાર્મ ખાતે સાંજે 5 કલાકેથી આ સ્નેહમિલન સમારોહ શરૂ થશે. જેમાં મનસુખભાઈ વસોયા (ખિલોરીવાળા) હાસ્યની રમઝટ બોલાવશે. ત્યારબાદ શ્રી નરેશભાઈ પટેલ ઉપસ્થિત સૌને રાજકોટ નજીક અમરેલી ગામ ખાતે નિર્માણ પામનાર કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર અંગેની માહિતી આપશે અને સૌને આ માનવ સેવાના કાર્યમાં ભૂમિદાનના માધ્યમથી સહભાગી થવા આહવાન કરશે. કાર્યક્રમના અંતે સૌ સમૂહ ભોજન લઈશું. તો આ સ્નેહમિલન સમારોહમાં પધારવા શ્રી ખોડલધામ પરિવાર- ઈસ્ટ ઝોન રાજકોટ શહેર લેઉવા પટેલ પરિવારજનોને ભાવભર્યું જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યુ છે.