ચારિત્રની શંકાએ પત્ની પર કુહાડાના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી, પતિએ પણ ગળેફાસો ખાઈ આપઘાત કર્યો

ક્રાઈમ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગરના કનસુમરામાં આવેલ ઝૂંપડામાં મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો,ચારિત્ર્યની શંકાના આધારે યુવાને પત્નીની માથે કુહાડાના ઘા ઝીંકી હત્યા કરી છે. હત્યા બાદ પતિએ પણ થોડે દૂર ઇલેક્ટ્રીકના થાંભલામાં દોરી વડે ગળાફાંસા દ્વારા આપઘાત કરી લેતાં ભારે અરેરાટી ફેલાઈ છે.

જામનગર તાલુકાના કનસુમરા ગામના પાટીયા પાસે એક ઝુપડામાં ગઈ રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો. એક પરપ્રાંતિય યુવાને પોતાની પત્ની પર ચારિત્ર અંગે શંકા કુશંકા કરી માથામાં લાકડાના હાથા વાળા કુહાડા ના ચાર ઘા ઝીંકી દઈ હત્યા નીપજાવી હતી, ત્યારબાદ પોતે પણ ઈલેક્ટ્રીક થાંભલામાં સુતર ની દોરી બાંધી ગળાફાંસા દ્વારા આપઘાત કરી લેતાં ભારે અરેરાટી ફેલાઈ છે. આ બનાવ બાદ પોલીસ તંત્ર દોડતું થયું છે.

આ બનાવ અંગે જાણવા મળતી માહિતી મુજબ જામનગર નજીક કનસુમરા ગામમાં એક ખાનગી પ્લોટ માં ઝૂંપડું બાંધીને રહેતા અને મૂળ મધ્યપ્રદેશના જાંબવા જિલ્લાના હીડીબડી ગામના વતની નેભાભાઇ કલાભાઈ ખરાડી નામના 48 વર્ષના પરપ્રાંતીય શખ્સે પોતાની જ પત્નીના માથા પર કુહાડાના ઘા ઝીંકી દઈ હત્યા નિપજાવી હતી.

લોહીથી લથબથ મહિલાનું ઘટના સ્થળેજ મૃત્યુ નિપજ્યું હતું, અને ત્યારબાદ હત્યારા પતિ નેવાભાઈ કલાભાઈ ખરાડી, કે જે બનાવથી થોડે દૂર ઇલેક્ટ્રીક થાંભલામાં ખાટલો બાંધવા માટેની સુતર ની દોરીથી ગળાફાંસો ખાઈ લઇ પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી.

જેથી આ ગોઝારી ઘટનામાં પતિ પત્ની બંનેના મૃત્યુ નીપજ્યા હતા. સમગ્ર બનાવ અંગે મૃતકના પુત્ર વિજય નેવાભાઈ ખરાડીએ પોલીસને જાણ કરતા પંચકોશી બી. ડિવિઝનના પી.એસ.આઇ.એમ.વી. મોઢવાડિયા તેઓની ટીમ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા, અને એક પછી એક બંને મૃતદેહોનો કબજો સંભાળ્યો હતો, અને પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે વિજય ખરાડીની ફરિયાદના આધારે આરોપી નેવાભાઈ કલાભાઈ ખરાડી સામે આઇપીસી કલમ 302 અને જીપીએટ કલમ 135 મુજબ ગુનો નોંધ્યો છે, અને હત્યામાં વપરાયેલા લોખંડનો કુહાડો વગેરે કબજે કર્યા છે.

પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન આરોપી નેવાભાઈ કે, જે પોતાની પત્ની પર ચારિત્ર્ય અંગેની શંકા કુશંકા કરતો હતો, તેની પત્નીને વતનમાં અન્ય કોઈ પુરુષ સાથેના આડા સંબંધો છે, તેવી શંકા કરીને અવારનવાર પત્ની સાથે ઝઘડો કરતો હતો. અને જે બાબતનું મનદુઃખ રાખીને બુધવારની રાત્રે હત્યા ની ઘટનાને અંજામ આપી દીધો હતો. ત્યારબાદ પોતે પણ જીવન લીલા સંકેલી લીધી હતી.