અયોધ્યા શ્રીરામ જન્મભૂમિ મંદિર પ્રતિષ્ઠા પ્રસંગે જામનગરથી તૈયાર થયેલ મંદિરની પ્રતિકૃતિ સાથેની ફાઉન્ટન પેન મોકલાશે

જાણવા જેવું દેશ-વિદેશ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

અયોધ્યામાં રામ જન્મભૂમિ પર નિર્માણ થયેલ મંદિરમાં 22 જાન્યુઆરી 2024 ના ભગવાન રામની પુન: પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે દેશ-વિદેશમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે તેવા સમયે જામનગરમાંથી પણ આ ઐતિહાસિક ક્ષણે કનખરા પરિવારની મેગ્નકાર્ટા બ્રાન્ડ ની 1 લાખ 90 હજારની કિંમતની બનાવેલી અયોધ્યાની ભગવાન રામની જન્મભૂમિના મંદિરની પ્રતિકૃતિ સાથેના સ્ટેન્ડ અને અયોધ્યામાં સ્થાપિત ભગવાન રામની વિશાળ પ્રતિમાની પ્રતિકૃતિ સાથેની ફાઉન્ટન હનુમાન પેન મોકલવામાં આવી રહી છે.

ભગવાન શ્રીરામની જન્મભૂમિ ની ચળવળમાં મુખ્ય ભૂમિકા અદા કરનાર વરિષ્ઠ સંત શ્રી રામભદ્રાચાર્યજી માટે આ પેન તૈયાર કરવામાં આવી છે.

જેને અયોધ્યામાં ભગવાન રામની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન યોજાઇ રહેલા 1008 કુંડી હનુમાનજી મહાયજ્ઞ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દેશ વિદેશથી ઉપસ્થિત સંતો મહંતો અને અગ્રણીઓની વચ્ચે જામનગરની તૈયાર કરાયેલી પેન અર્પણ કરવામાં આવનાર છે.

જામનગર થી અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે તૈયાર કરાયેલ પેન ખાસ વિશિષ્ટ બોક્સમાં મોકલવામાં આવી રહી છે આ બોક્સ ઉપર પણ ભગવાન શ્રીરામ નું નામ અંકિત કરાયેલું છે અને પેન સ્ટેન્ડની સાથે શ્રીરામ લખાયેલા પારા ની માળા પણ બનાવવામાં આવી છે. જે અયોધ્યા મોકલતા સમગ્ર કનખરા પરિવારે ખાસ ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્કની ટીમ સાથે વાતચીત કરી ગૌરવની લાગણી વ્યક્ત કરી છે. અયોધ્યા માં રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન જ જામનગરની આ પેન જઈ રહી છે તે જામનગર માટે પણ ગૌરવની ક્ષણ છે.