ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલી રહી છે. જે અન્વયે, જામનગર જિલ્લામાં ગામડે-ગામડે વિકસિત ભારત રથયાત્રામાં લોકોને વિવિધ યોજનાઓની જાણકારી મળી રહી છે. જામનગર જિલ્લામાં ઉત્સાહભેર ગ્રામજનો વિકસિત ભારત સંકલ્પ રથયાત્રામાં સહભાગી બની રહયા છે. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સેવકધુણિયા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થતા ગ્રામજનોએ ઉત્સાહભેર આવકારી રથનું ભવ્ય સ્વાગત કર્યું હતું.
કાર્યક્રમમાં સોઈલ હેલ્થ કાર્ડ નિદર્શન,પ્રાકૃતિક કૃષિ સંવાદ અને ”મેરી કહાની, મેરી જુબાની” માં લાભાર્થીઓએ પોતાને પ્રાપ્ત થયેલ સહાય વિષે અનુભવો વ્યક્ત કર્યા હતા. તેમજ આરોગ્ય કેમ્પમાં ગ્રામજનોએ તેમની આરોગ્ય તપાસણી કરાવી હતી. કાર્યક્રમ અંતર્ગત પીએમ ઉજ્જવલા યોજના, પીએમ કિશાન સ્વનિધી યોજના, પીએમ આવાસ યોજના (ગ્રામીણ), આયુષ્માન કાર્ડ વગેરે વિવિધ યોજનાના લાભો લાભાર્થીઓને અર્પણ કરાયા હતા.
કાર્યક્રમ દરમિયાન, ”ધરતી કરે પુકાર : પ્રાકૃતિક કૃષિ” થીમ આધારિત નુક્કડ-નાટક રજૂ કરવામાં આવ્યું હતું. તેમજ વિકસિત ભારત-2047 ના સ્વપ્નને સાકાર કરવાના હેતુસર ગ્રામજનોએ શપથ ગ્રહણ કર્યા હતા. આ કાર્યક્રમમાં લાલપુર તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતના સદસ્યો, આજુબાજુના ગામોમાંથી પધારેલા અગ્રણીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા