મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના અંતર્ગત ઝાંખરના ડો.અજયસિંહે ગામના પહેલા ડોક્ટર બની સિદ્ધિ હાંસલ કરી

ગુજરાત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

રાજ્ય સરકારની આર્થિક મદદ થકી તમામ બાળકોનું ઉચ્ચ અભ્યાસ કરવા માટેનું સપનું સાકાર બન્યું છે. રાજ્યના છેવાડાના વિસ્તારના વિદ્યાર્થીઓ તેમની અથાક મહેનત અને પરિશ્રમ થકી વિવિધ ક્ષેત્રમાં અનેરી સિદ્ધિ હાંસલ કરી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓને સતત પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે. ડો.અજયસિંહે

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY) એ એક શિષ્યવૃત્તિ યોજના છે. જેમાં ગુજરાતના આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. જેથી તેઓ કોઈપણ પ્રકારના અવરોધ વિના તેમનો અભ્યાસ પૂર્ણ કરી શકે છે. ડિપ્લોમા કોર્સ, એન્જિનિયરિંગ, ફાર્મસી કોર્સ, મેડિકલ કોર્સ વગેરે જેવા ઉચ્ચ શિક્ષણ મેળવવા ઈચ્છતા તમામ વિદ્યાર્થીઓ દર વર્ષે MYSY શિષ્યવૃત્તિ માટે અરજી કરી શકે છે.

જે વિદ્યાર્થીઓ ગુજરાત મેડિકલ એજ્યુકેશન રિસર્ચ સોસાયટી અને ડેન્ટલ કોર્સમાં જવા માંગે છે, તો તેઓને 5 વર્ષ માટે 10 લાખ રૂપિયાની નાણાકીય સહાય મળે છે. તમામ કેટેગરીના વિદ્યાર્થીઓને વયમાં 5 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે. તેમજ જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માંગે છે, તો તેમને તાલીમ કેન્દ્રો હેઠળ તાલીમ આપવામાં આવશે. તેમજ બિન-અનામત કેટેગરીના વિદ્યાર્થીઓને પુસ્તકો અને સાધનસામગ્રી ખરીદવા માટે નાણાકીય મદદ મળશે. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ઝાંખર ગામના ખેડુતપુત્ર અજયસિંહ વાઘેલાએ તેમના ગામમાં યુવાનો માટે નવી મિશાલ આપી છે. મોરના ઈંડાને ચીતરવા ના પડે તેમ અજયસિંહ બાળપણથી જ વિશેષ પ્રતિભા ધરાવતા હતા.

લાભાર્થી ડો.અજયસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, ”મેં વર્ષ 2017માં વડનગરમાં મેડિકલનો અભ્યાસ કરવા માટે જી.એમ.ઈ.આર.એસ. ઈન્સ્ટિટ્યૂટમાં એડમિશન મેળવ્યું હતું. મને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ રૂપિયા 9 લાખ રૂપિયાની સહાય મળી છે. જેથી હું મારો અભ્યાસ સરળતાથી પૂર્ણ કરી શક્યો છું. તેમજ મને ઝાંખર ગામમાંથી પહેલા ડોક્ટર બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે. મારી આ સિદ્ધિને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા અને સાંસદ પૂનમબેન માડમ દ્વારા બિરદાવવામાં આવી છે. મારો સમગ્ર અભ્યાસ સરળતાથી પૂર્ણ થઈ શક્યો છે, તે બદલ હું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, રાજ્ય સરકાર અને લાલપુર તાલુકા વહીવટી તંત્રનો ખુબ-ખુબ આભાર વ્યક્ત કરું છું.”