જામનગર ખંભાળિયા હાઇવે પર ચાર શખ્સોએ 7 વર્ષની અદાવત બાદ મોટાભાઈને પણ મોતને ઘાટ ઉતાર્યો 

ક્રાઈમ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગર ખંભાળિયા હાઇવે પર વસઈ ગામના નજીક જામનગરમાં રહેતા અને કોન્ટ્રાકટર તરીકે કામ કરતા આધેડને જામનગરમાં જ રહેતા ચાર શખ્સોએ આડેધડ છરીઓના ઘા કરી વેતરી નાખી કરપીણ હત્યા નીપજાવ્યાની ઘટના બની છે.

જામનગરમાં 7 વર્ષ પૂર્વે મૃતકના ભાઈની હત્યા થઇ હતી, જે હત્યા નીપજાવનાર પરિવારના અન્ય સખ્સોએ જ ગઈકાલે આધેડની કારને વસઈ નજીક આવેલ હોટલ ઓર્ચિડ પાસે આંતરી લઇ કરપીણ હત્યા નીપજાવી છે. બીજી તરફ ચાર આરોપીઓ પૈકી એક આરોપીને પણ આ અથડામણ દરમ્યાન ગંભીર ઈજાઓ પહોચતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

જામનગર સહીત સમગ્ર હાલારમાં ચકચારિયા હત્યાના બનાવની વિગત એવી છે કે, જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતા ભીમશીભાઈ આંબલીયા નામના આધેડ વસઈ ગામ નજીકના હાઇવે પર જામનગરથી સિક્કા તરફ પોતાની બ્રેજા કાર ચલાવી જતા હતા, ત્યારે જામનગરમાં જ અયોધ્યા નગર વિસ્તારમાં રહેતા સામત કરણા વસરા, અજય ભીમસી વસરા, વજસી કરણા વસરા અને રાહુલ સામત વસરા નામના શખ્સોએ ભીમસીભાઈની કારને વસઈ પહેલા જ આંતરી લઇ છરીઓ સહિતના તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. જેમાં ભીમસીભાઈને માથા અને કપાળના ભાગે ગંભીર ઈજાઓ પહોચતાં તેઓ સ્થળ પર જ ઢળી પડ્યા હતા. અને લોહીના ખાબોચિયા વચ્ચે જ મોતને ભેટ્યા હતા. બીજી તરફ આરોપી સામતભાઈને પણ પેટના ભાગે છરીના ઘા વાગી જતા તેઓને 108 મારફતે જામનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન ભીમશીભાઈની હત્યાને અકસ્માતમાં ખપાવવા માટે પણ પ્રયાસ કરાયો હતો પરંતુ સિક્કા પોલીસે પૂર્વકની તપાસ કર્યા બાદ જૂની અદાવતમાં આ હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું.

જામનગરમાં રહેતા ભીમસીભાઈના પરિવારજનોને આ બનાવની જાણ થતાં તેઓના પત્ની સહીતનો પરિવાર ઘટના સ્થળ અને હોસ્પિટલ દોડ્યો હતો. હોસ્પિટલમાં ઘાયલ અને મૃતક બંનેને લઇ આવવામાં આવ્યા ત્યારે બંને પક્ષના શખ્સો એકત્ર થતાં તંગદીલી પ્રસરી હતી.

પોલીસે તમામ શખ્સોને દુર કરી મૃતકના પત્ની મંજુબેનની ફરિયાદ નોંધી હતી. આરોપી સામતભાઈના સબંધિઓએ 7 વર્ષ પહેલાં મૃતક ભીમસીભાઈના નાનાભાઈ એભાભાઈનું ખૂન કર્યું હતું. ત્યારથી તેઓની સાથે ભીમસીભાઈના પરિવારને મનદુ:ખ ચાલતું આવે છે. આ જ અદાવતને લઈને આરોપીઓએ ભીમસીભાઈની હત્યા નીપજાવી હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે.

પોલીસે આઈપીસી કલમ 302 સહિતની જુદી જુદી કલમ મુજબ ફરિયાદ નોંધી નાશી ગયેલા આરોપીઓને ઝડપી પાડવા પ્રયાસો હાથ ધર્યા છે.