જામનગરમાં કવિઓની જમાવટ, “શબ્દો સાથે પ્રેમ અમારે”

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

હાલારની ધરતી ગણાતી જામનગરમાં તા. 26 /11/23 નાં રોજ છોટીકાશીની ધરાને લાગણીનાં શબ્દોથી ભીંજવતો એક જાજરમાન કાર્યક્રમ યોજાયો હતો.. “શબ્દો સાથે પ્રેમ અમારે” શિર્ષક હેઠળ હાલારની હવાને શબ્દસુમનની ખુશ્બુ વડે તરબતર કરવાં ગુજરાતભરમાંથી શબ્દ શિલ્પી પધાર્યા હતાં.

આ કાર્યક્રમનાં નિર્ધારિત સમય પહેલાં જ જાણે પ્રકૃતિએ પણ પોતાની લાગણીનાં હેત ઠાલવવાં હોય એમ કારતક માસમાં પણ અષાઢી માહોલ રચી વર્ષાથી જામનગરને તરબતર કરી મૂક્યું હતું.

પોતાનાં ઘેઘૂર કંઠે કવિઓએ જાણે સૂર, કલા અને સાહિત્યની ત્રિવેણી હાલારના આંગણે અવતારિત કરી. જામનગરનાં ‘માસ’ નહીં પણ ‘ક્લાસ’ ભાવકોને મનભરીને ગઝલો અને કાવ્યોનું રસપાન કર્યું. જામનગરી મીજાજમાં દાદ આપી સૌ શબ્દશિલ્પીઓનો અનોખો આદરસત્કાર કર્યો અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

આ કાર્યક્રમની વિશેષતા એ હતી કે અહીં ગુજરાતભરમાંથી કવિઓ પધાર્યાં હતા. વડોદરા સુરત, અમદાવાદ કલાનગરી ભાવનગર, જુનાગઢ, કેશોદ , અમરેલી અને જામનગરનાં સ્થાનિક કવિઓએ પોતાની કૃતિઓનું પઠન કરી સૌને મંત્રમુગ્ધ અને ભાવવિભોર કરી દીધા હતા. આ કવિ સંમેલનનુ આયોજન શબદસૂરતા ગૃપ અને પ્રણામી ગ્લોબલ સ્કૂલ દ્રારા કરવામાં આવ્યું હતું. શ્રી 5 નવતનપુરીધામનાં સંત પ. પૂ. 108 લક્ષમણદેવજી મહારાજે દીપ-પ્રાગટય કરી આશિર્વચન પાઠવ્યાં હતાં. અને હાલારની ધરતીને રસતરબોળ ભીંજવવાં કવિઓને કાવ્યપાઠ માટે આમંત્રણ આપ્યું હતું.

આ સંમેલનમાં જામનગરનાં પ્રતિષ્ઠિત અને શિરમોર કવિ ડૉ. સતીષચંદ્ર વ્યાસ, બાલ સાહિત્યકાર કિરીટભાઈ ગૌસ્વામિ વડિલ અને વિદ્યો-તેજક મંડળનાં ટ્રસ્ટી વિરુભાઈ દોશી, પ્રણામી ગ્લોબલ સ્કૂલનાં કેમ્પસ ડાયરેકટર તનેજાજી  કાર્યક્રમમાં અચુક હાજર રહેતા માનવંતા ભાવક ભરતભાઈએ હાજર રહી કાર્યક્રમને માણ્યો હતો.પ્રેસ મીડીયાના કિંજલભાઈ કારસરિયાએ સમગ્ર કાર્યક્રમને કેમેરામાં કંડારી માણ્યો હતો.

સૌ કવિઓ તથાં મહેમાનોનું શબ્દોનાં કંકુ ચોખા વડે સ્વાગત કવિ શૈલેષભાઈ પંડ્યા નિશેષે કર્યું હતું, અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ સુનીલ કઠવાડીયા અને હીના પંડ્યા (બરોડા)એ કર્યું હતું.