ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :
રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે જામનગર તાલુકાના અને જોડીયા તાલુકાના વિવિધ ગામોને જોડતા રોડનું ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂ.2.25 કરોડના ખર્ચે જામનગર તાલુકાના નવા નાગના અને જુના નાગના ગામોની વચ્ચે 18 મીટર લાંબા મેજર બ્રિજનું નિર્માણ કરવામાં આવશે.
તેમજ, રૂ. 5 કરોડના ખર્ચે જોડીયા તાલુકાના વાવ બેરાજા અને ચંદ્રગઢ ગામોને જોડતા 8 કી.મી. લાંબા પાકા સી.સી. રોડની સાથે રસ્તાનું મેટલ કામ, માટી કામ અને રોડ ફર્નિશિંગના વિકાસ કાર્યો પૂર્ણ કરવામાં આવશે.
કાર્યક્રમમાં કૃષિમંત્રીએ તેમના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, વાવ બેરાજાથી ચંદ્રગઢ ગામોને જોડતો નવો પાકો રસ્તો બનશે, જેથી ગ્રામ્યવિસ્તારોમાં સવલત વધશે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ આવા તમામ રસ્તાઓનું નવનિર્માણ કરવામાં આવી રહ્યું છે.
કાર્યક્રમમાં, જામનગર જિલ્લા પંચાયત પ્રમુખ મેયબેન ગરસર અને બાંધકામ સમિતિના ચેરમેન પ્રવિણાબેન ચભાડીયાના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની રૂપરેખા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર છૈયાભાઈએ આપી હતી.
ઉક્ત સમારોહમાં, સામાજિક અગ્રણીઓ ગલાભાઈ ગરસર, કુમારપાળસિંહ રાણા, હસુભાઈ કણજારીયા, આજુબાજુના ગામોમાંથી પધારેલા અગ્રણીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.