ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :
રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા સાંસદ પૂનમબેન માડમે જિલ્લાના વીજળીને લગતા પ્રશ્નોનો ઉકેલ લાવવા તેમજ નાગરિકો તથા ખેડૂતોની વિવિધ રજૂઆતોનુ નિરાકરણ લાવવા કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર બી.એ.શાહ, પી.જી.વી.સી.એલ.ના મેનેજીંગ ડિરેક્ટર એમ.જે.દવે (આઈ.એ.એસ.) સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં મંત્રીએ પોતાને મળેલ લોકોની રજૂઆતો તથા પ્રશ્નોની વિગતવાર ચર્ચા કરી આ પ્રશ્નોનો હકારાત્મક અભિગમ દાખવી સત્વરે તેનો નિકાલ લાવવા જણાવ્યું હતું.
બેઠકમાં મંત્રી તથા સાંસદએ પાંચ વર્ષથી વધુ સમય માટે સોલાર પેનલ ધરાવતા ખેડૂતોને પીજીવીસીએલ કનેક્શન આપવું, ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીની અનિયમીતતા દૂર કરવી, જરૂર જણાય ત્યાં વીજ લાઈનનું સ્થળાંતર કરવું, માંગણી મુજબનું કનેક્શન ફાળવવા તથા વિવિધ થાંભલા શિફ્ટિંગ કરવા, વીજ કનેક્શન માટે જરૂરી વિભાગોને દરખાસ્ત કરવી, નવા નાગના, જુના નાગના, ખીમરાણા, મોરકંડા વગેરે ગામોમાં જરૂરિયાતમંદ પરિવારોને સિંગલ કે થ્રી ફેઝ કનેક્શન તથા જ્યોતિ કનેક્શન આપવા, વિભાપર અને નવા-જુના નાગનાનુ ફીડર અલગ કરવુ, વીજ પુરવઠો બંધ કરતા પહેલા લોકોને જાણ કરવી, એસ.ટી. ડિવિઝનમાં નવી લાઈનનું કામ સત્વરે પૂર્ણ કરવું તથા કનસુમરા તેમજ ખીજડીયા ખાતે નવી લાઈનમાં કામની વિગતો, એ.જી.કનેકશનના ટી.સી. બળી જાય તે 48 કલાકમાં બદલાવી આપવા, જુના વાયરો બદલવા, વારંવાર આવતા ફોલ્ટ દુર કરવા વગેરે બાબતે અધિકારીઓ સાથે ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી.
આ બેઠકમાં અધિક કલેકટર બી.એન.ખેર, પીજીવીસીએલના અધિક્ષક ઈજનેર પરમાર તથા સંલગ્ન કાર્યપાલક ઇજનેરઓ, સર્વે પ્રાંત અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.