ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :
રેલવે મંત્રાલયના આદેશ મુજબ પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનના લાલપુર જામ સ્ટેશન પર પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન (19016/19015)ને સ્ટોપેજની મંજૂરી મળતા તા. 20 ઓગસ્ટથી ટ્રેન જામ રેલવે સ્ટેશન પર થોભશે. સાંસદ પૂનમબેન માડમે લાલપુર જામ રેલ્વે સ્ટેશનથી ટ્રેનને લીલી ઝંડી બતાવીને સ્ટોપેજનું ઉદ્ઘાટન કર્યું હતું.
ટ્રેનના સ્ટોપેજને લઈને રેલવે મુસાફરો અને લાલપુર જામના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તેમજ સાસંદએ ત્યાં હાજર લોકો સાથે ટ્રેનના સ્ટોપેજ અંગે વાતચીત કરી હતી. લોકોની મુસાફરી સુવિધામાં વધારો થતાં તેઓએ રેલવે પ્રશાસન અને સાંસદનો આભાર વ્યક્ત કર્યો હતો.
ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા અનુસાર લાલપુર જામ રેલ્વે સ્ટેશન પર ટ્રેન નંબર 19016 પોરબંદર – દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ (દૈનિક) નો આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે 23.55/23.56 છે. તેવી જ રીતે, વળતરની દિશામાં, ટ્રેન નંબર 19015 દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ (દૈનિક) નો આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે 03.31/03.32 છે.
આ પ્રસંગે ડીવીઝનલ રેલવે મેનેજર રવીશ કુમાર સહિત ડીવીઝનના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ, અગ્રણીઓ રમેશભાઈ મૂંગરા, દિલીપભાઈ ભોજાણી, પ્રવીણસિંહ જાડેજા, ડો. વિનોદભાઈ ભંડેરી, અરસીભાઈ કરંગિયા, તાલુકા પંચાયત લાલપૂરના પ્રમુખ કાંબરિયાભાઈ, સરપંચ જયેશભાઈ, અધિકારીઓ, જાહેર જનતા તેમજ મુસાફરો ઉપસ્થિત રહ્યા હતા.