“પી.એમ.પોષણ યોજના” થકી સરકારી પ્રાથમિક શાળાના 24 હજારથી વધુ બાળકોને સમયસર પહોંચી રહ્યું છે ગરમ અને પૌષ્ટિક ભોજન

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

સમગ્ર જામનગર શહેરી વિસ્તાર તથા જામનગર તેમજ લાલપુર તાલુકાની 140 પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા 24 હજાર જેટલાં ભૂલકાઓને સમયસર તાજું, ગરમ અને પૌષ્ટિક ભોજન મળી રહે તે માટે રાજય સરકાર દ્વારા “પી.એમ.પોષણ યોજના” હેઠળ ખૂબ જ સુંદર વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.અને આ સમગ્ર વ્યવસ્થા સુચારૂ રીતે અમલી બને તે માટે જિલ્લા પુરવઠા વિભાગ, જામનગર મહાનગરપાલિકા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તેમજ અક્ષયપાત્ર સંસ્થા અનેક આધુનિક મશીનરીઝ, વાહનો તથા સ્વયંસેવકો સાથે સતત કાર્યશીલ છે.

ગઈકાલે જામનગરના અક્ષયપાત્ર મેગા કિચનથી સૌથી દૂરના અંતરે આવેલ પડાણા પાટિયા નજીકની શિવપુરા પ્રાથમિક શાળા ખાતે શાળાના આચાર્ય અને અધિકારીઓ દ્વારા ભોજનનું તાપમાન ચકાસવામાં આવ્યું હતું.

જે ભોજન 80 ડિગ્રી કરતાં પણ વધુ ગરમ અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત જણાયું હતું.આ ઘટના રાજ્ય સરકાર દ્વારા શાળામાં બાળકોને પૌષ્ટિક અને ગરમ ભોજન મળે તે સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવેલ પ્રશંસનીય પ્રયાસોના પ્રમાણ સમાન છે.

આ માટે અક્ષયપાત્ર સંસ્થાના 126 સ્વયંસેવકોની ટીમ સવારે 4 વાગ્યાથી જ કામે લાગી જાય છે અને નિયત કરેલા વિવિધ 14 રુટ પર ખાસ પ્રકારે તૈયાર કરેલા 18 જેટલા વાહનો થકી આ ભોજન શાળાના બાળકો સુધી પહોંચતું કરે છે. ભોજનમાં રાજય સરકાર દ્વારા નક્કી કરાયેલ મૅનું અનુસાર દાળ-ઢોકળી, વેજ પુલાવ, મિક્ષ શાક, રાઈસ, દાલ ફ્રાય, ખીચડી, સુખડી, મસાલા સિંગ, ચૂરમું વગેરે જેવી પૌષ્ટિક વાનગીઓ બાળકોને પીરસવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર શહેરમાં આવેલ 52 પ્રાથમિક શાળાઓ તેમજ લાલપુર તથા જામનગર તાલુકાની 88 જેટલી શાળાઓ મળી કુલ 140 પ્રાથમિક શાળાઓમાં આ પ્રકારે નિરંતર પૌષ્ટિક ભોજન પહોંચાડી રાજય સરકાર દ્વારા દેશના ઉજ્જવળ ભવિષ્ય સમા ભૂલકાઓની વિશેષ કાળજી લેવાઈ રહી છે.