ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :
જામનગર જિલ્લા કક્ષાના 77માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી લાલપુર રૂપાવટી નદીના કાંઠે આવેલ મેદાનમાં કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર બી.એ.શાહના હસ્તે દવજવંદન કરવામાં આવ્યું હતું.દવજને સલામી આપી રાષ્ટ્રગાન બાદ કલેકટરએ જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ સાથે પરેડનું નિરીક્ષણ કર્યું હતું.પોલીસ ઇન્સપેક્ટર કે.આર.વાઘેલાની આગેવાની હેઠળ યોજાયેલ પરેડમાં જામનગર જિલ્લા પોલીસ,હોમગાર્ડ,એન.સી.સી.સહિતની ટુકડીઓ સહભાગી થઈ હતી અને તિરંગાને સલામી આપી હતી.
કલેકટર બી.એ.શાહે 77માં સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, આ શાનદાર ઉજવણીમાં ઉપસ્થિત રહેલા આપ સૌને પવિત્ર રાષ્ટ્રીય પર્વે અભિનંદન પાઠવું છું.જેમણે આઝાદીની લડતમાં પોતાના પ્રાણ ન્યોછાવર કરીને દેશને ગુલામીથી મુક્ત કરાવ્યો છે તેવા રાષ્ટ્રીય નેતાઓ, આર્મી, નેવી અને એરફોર્સના જવાનો અને સ્વાતંત્ર્યવીરોને નમન કરું છું. 77માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિતે વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ મારી માટી, મારો દેશ અને હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે તેમાં હર્ષભર ભાગ લઈ રહેલા સૌ કોઈનો આભાર માનું છું.વિકાસના ફળ છેવાડાના માનવી સુધી પહોચે અને સૌના સાથથી સૌનો વિકાસ થાય એ જ એક મંત્ર સાથે ગુજરાત આગળ ધપી રહયુ છે. ગત છ મહિનામાં જામનગર જિલ્લામાં કુલ રૂ.700 કરોડના ખર્ચે 135 કામો કરવામાં આવ્યા છે.જેમાં માર્ગ અને મકાન વિભાગ, સિંચાઇ અને પંચાયત વિભાગ તેમજ જેટકો દ્વારા અગત્યના વિકાસ કાર્યો કરાયા છે.
એક વર્ષ દરમિયાન જામનગર જિલ્લામાં પૂર્ણ થયેલ, નવા શરૂ કરાયેલ તથા આગામી છ મહિનામાં શરૂ કરવામાં આવનાર કામો મળી કુલ રૂ.2090કરોડની રકમના 443 કામો હાથ ધરવામાં આવ્યા છે. બાગાયત વિભાગ દ્વારા રૂ.2.5 કરોડની રકમના 6 કામો, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ છેલ્લા 6 મહિનામાં 4995 લાભાર્થીઓને રૂ.13.32 કરોડની સહાય, પૂરક પોષણ યોજના અંતર્ગત 5346 લાભાર્થીઓને લાભો પ્રદાન કરવામાં આવ્યા છે.મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ 5973 લાભાર્થીઓને લાભો પ્રદાન કરાયા છે. કૃષિ યાંત્રિકરણ યોજના હેઠળ 480 લાભાર્થીઓને કુલ રૂ.2 કરોડની રકમના લાભો, ટ્રેક્ટર સહાય યોજના હેઠળ 1200થી વધુ લાભાર્થીઓને સહાય અર્પણ કરવામાં આવી છે.ગંગા સ્વરૂપા યોજના હેઠળ રૂ.21 કરોડની સહાય લાભાર્થીઓને આપવામાં આવી છે.સરકારના સતત પ્રયાસોથી જામનગર જિલ્લો વિકાસની દિશામાં હરણફાળ ભરી રહ્યો છે.
કાર્યક્રમ અંતર્ગત વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ સેવા અને સિદ્ધિઓ બદલ 82 જેટલાં કર્મીઓ તથા સંસ્થાઓને કલેકટર તથા મહાનુભાવોના હસ્તે સન્માનિત કરાયા હતા.જેમાં NQAS અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જામવંથલી, પ્રશંસનીય સેવા બદલ જિલ્લા હોમગાર્ડ, શિક્ષકઓ, આયુષમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત કરેલ વિશિષ્ટ કામગીરી બદલ જી.જી.સરકારી હોસ્પિટલ, સામુહિક આરોગ્ય કેન્દ્ર ધ્રોલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જામ વંથલી, ઓસવાળ આયુષ હોસ્પિટલ, સેવીયર એવોર્ડ માટે 108 એમ્બ્યુલન્સ સેવા, શ્રેષ્ઠ કામગીરી બદલ જામનગર જિલ્લા પોલીસ, જિલ્લા માહિતી કચેરી જામનગર, વિવિધ ક્ષેત્રમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવેલ ખેલાડીઓ તથા કલાકરો, બીપરજોય વાવાઝોડા દરમિયાન ઉમદા કામગીરી કરેલ અધિકારીઓ તથા કર્મચારીઓ, સરકારની વિવિધ જાણ કલ્યાણની યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવા બદલ જિલ્લાના મહેસુલી કર્મચારીઓ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વગેરે મળી વિવિધ ક્ષેત્રના કર્મીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.સાથે સાથે સ્વામીત્વ યોજના હેઠળ તૈયાર થયેલ પ્રોપર્ટી કાર્ડનું લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં લાલપુર તાલુકાશાળા દ્વારા સંદેશે આતે હે, એલ.એલ.એ મહેતા કન્યા વિદ્યાલય દ્વારા ગરબા રાસ તેમજ માધવ વિદ્યાલય લાલપુર દ્વારા માં તુજે સલામ કૃતિઓ રજૂ કરાઇ હતી. આ દરમિયાન સમગ્ર વાતાવરણ દેશ ભક્તિના રંગે રંગાયું હતું.કાર્યક્રમના સ્થળે “મેરી માટી મેરા દેશ”ની થીમ આધારિત સેલ્ફી પોઇન્ટ સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો જ્યાં સેલ્ફી લઈ સૌ નાગરિકોએ અનોખી રીતે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી હતી.કાર્યક્રમના અંતે કલેક્ટર સહિતના મહાનુભાવો દ્વારા પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
સ્વાતંત્ર્ય પર્વની આ ઉજવણીમાં જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા,ધારાસભ્ય હેમંતભાઈ ખવા,જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ,જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ,અધિક નિવાસી કલેકટર બી.એન.ખેર, ડી.આર.ડી.એ.નિયામક એન.એફ.ચૌધરી, જાડાના મુખ્ય કારોબારી અધિકારી જીજ્ઞાશાબેન ગઢવી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.હારુન ભાયા, શિક્ષણ અધિકારી મધુબેન ભટ્ટ,જિલ્લા આયોજન અધિકારી, લાલપુર પ્રાંત અધિકારી એન.ડી.ગોવાણી,આગેવાનઓ, વિવિધ વિભાગના અધિકારીઓ,વિવિધ ક્ષેત્રના પ્રતિનિધિઓ, સમાજના અગ્રણીઓ, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.