જામનગર જિલ્લાની 126 ગ્રામપંચાયતોમાં મારી માટી, મારો દેશ કાર્યક્રમની ઉજવણી

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગર જિલ્લાના ગામે ગામ મારી માટી મારો દેશ, માટીને નમન વિરોને વંદન કાર્યક્રમની ઉજવણી થઈ રહી છે. તા.૧૦ ઓગસ્ટના રોજ જામનગર જિલ્લાના ૧૨૬ ગામડાઓમાં અભિયાનની ઉજવણી અંતર્ગત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગર તાલુકાના ૩૧, ધ્રોલ તાલુકાના ૧૦, જોડિયા તાલુકાના ૧૨, કાલાવડ તાલુકાના ૨૬, લાલપુર તાલુકાના ૨૧ અને જામજોધપુર તાલુકાના ૨૨ ગામડાઓમાં મારી માટી, મારો દેશ અભિયાનની ઉજવણી કરાઇ હતી.

વિવિધ ગામડાઓમાં આ અભિયાનની ઉજવણી અંતર્ગત શીલાફલકમનું અનાવરણ જેમાં જે ગામડા માંથી દેશના રક્ષણ માટે કોઈ જવાન શહિદ થયેલ હોય તો તેનું નામ શીલા પર કંડારીને અમૃતસરોવરો, જળાશયો, શાળાઓ, પંચાયત ઓફિસોમાં તે તકતીનું અનાવરણ કરાયું હતું. તેમજ વીરશહીદના પરિવારજનોનું સમ્માન તથા હાથમાં માટીની મૂઠી કે દીવો લઈને પંચ પ્રણ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. બાદમાં દવજવંદન અને માટી કળશ યાત્રાનું તથા ગ્રામસભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમોમાં ગ્રામપંચાતોના આગેવાનઓ, અધિકારીઓ, શાળાના શિક્ષકો તથા વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.