ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :
આજથી સમગ્ર દેશમાં ‘મારી માટી, મારો દેશ – માટીને નમન, વીરોને વંદન’ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત જામનગર જિલ્લામાં પણ સ્વાતંત્ર્ય સેનાનીઓ અને દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે. ‘મારી માટી, મારો દેશ’ અભિયાન અંતર્ગત આજે જમનગર તાલુકાના ઢીચડા, ફલ્લા, મેડી, નાની બાણુગાર, દોઢિયા, દરેડ, અલિયા સહિત ૫૦ ગામડાઓમાં શીલાફલકમ, પંચપ્રણ પ્રતિજ્ઞા, વીરોને વંદન, વસુધા વંદન તથા ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા હતા.
આ કાર્યક્રમો અંતર્ગત શાળાઓ, પંચાયત ઓફીસ, અમૃત સરોવરો, જળાશયો ખાતે ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને શીલાફલકમનું અનાવરણ, શહિદ જવાનોના પરિવારજનોનું સમ્માન, વૃક્ષારોપણ, હાથમાં માટી અને માટીનો દીવો લઇ સેલ્ફી અભિયાન, ધ્વજવંદન, રાષ્ટ્રની એકતા માટે પ્રતિજ્ઞા તથા ગ્રામસભાઓનું આયોજન કરવામાં અવ્યુ હતુ.