ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :
જામનગર જિલ્લામાં આજથી મારી માટી મારો દેશ, માટીને નમન વિરોને વંદન અભિયાન અંતર્ગત તમામ તાલુકાની ગ્રામ પંચાયતોમાં શીલાફલકમ, વીર વંદના, પંચપ્રાણ પ્રતિષ્ઠા, વસુધા વંદન અને ધ્વજ વંદનના કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી હતી.
કાલાવડ તાલુકાની મકાજી મેઘપર, મોટી ભગેડી, મોટી માટલી, નાગાજર સહિત ૨૭ ગ્રામપંચાયતોમાં મુખ્ય પાંચ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શિલાફલકમનું સ્થાપન અંતર્ગત ગ્રામપંચાયત વિસ્તારમાં આવેલા અમૃત સરોવર, જળાશયો, પંચાયત ઓફિસ અને શાળાઓ પાસે સ્મારક પથ્થરની તકતી (શિલાફલકમ) ઉભી કરી તેનું અનાવરણ કરવામાં આવ્યું છે.
‘પંચ પ્રણ’ પ્રતિજ્ઞા હેઠળ ગ્રામજનોએ હાથમાં માટી અને માટીનો દીવો રાખી રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. તેમજ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પણ શપથ લેવામાં આવ્યા હતા. વિરોને વંદન કરવા માટે સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદ સેનાનીઓના પરિવારો, સંરક્ષણ કર્મચારીઓ અથવા તેમના પરિવારોને આમંત્રિત કરીને વીરોનું સ્થાનિક પરંપરા અને રીવાજ અનુસાર સન્માન કરવામાં આવ્યું હતું. વસુધા વંદન કાર્યક્રમની ઉજવણીમાં ગ્રામ પંચાયત દીઠ ૭૫ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સરકારી શાળાઓમાં દવજવંદનના કાર્યક્રમો કરી વિદ્યાર્થીઓ અને ગ્રામજનો દ્વારા રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમોમાં વિવિધ વિભાગના અધિકારીઓ, શાળાના આચાર્યો, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.