ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :
જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં આવેલા ઝાંખર ગામના મુક્તિધામ સંકુલનું રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણીના માર્ગદર્શન હેઠળ નવનિર્માણ કરીને ગ્રામજનોને સુપરત કરાયું છે.
ઝાંખર ખાતેનું આ મુક્તિધામ (સ્મશાન) સંકુલ અગાઉ અત્યંત જર્જરિત હાલતમાં હતું. આ અંગે ગ્રામજનોની રજૂઆતને ધ્યાનમાં લઈને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે રુ. 72 લાખના ખર્ચે આ સંકુલનું નવનિર્માણ કર્યું છે. આ નવનિર્માણ હેઠળ મુક્તિધામના મુખ્ય દરવાજા, ડાઘુઓની સ્નાનવિધિ માટેની વ્યવસ્થા, લાકડાના સ્ટોરેજની સુવિધા ઉપરાંત અહીં શાંતિકુટિરનું પણ નિર્માણ કરાયું છે. ઝાંખર ગામે કુલ 35 હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં થયેલાં આ નવીનિકરણ પ્રોજેક્ટ હેઠળ સંકુલમાં ભગવાન શિવજીની પ્રતિમા સ્થાપવા ઉપરાંત આશરે 1650 વૃક્ષો અને ફૂલછોડનું વાવેતર કરીને ‘સ્મૃતિવન’ બનાવવાનો પ્રયાસ કરાયો છે.
આ લોકાર્પણ પ્રસંગે ઝાંખર ગામના અગ્રણીઓ અને ગ્રામજનોએ આ અત્યંત મહત્વની સુવિધા ઉપલબ્ધ કરી આપવા બદલ ધનરાજભાઈ નથવાણી અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી છે.