ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :
રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, જામનગર દ્વારા “નારી વંદન ઉત્સવ” ની ઉજવણી તા.૧ થી તા.૭ ઓગસ્ટ દરમિયાન કરવામાં આવી હતી. જેમાં તા.૭ ઓગસ્ટના રોજ “મહિલા અને બાળ આરોગ્ય” દિનની ઉજવણીનું આયોજન જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે આવેલ ફાયર વિભાગના સભાગૃહમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત “ મહિલા અને બાળ આરોગ્ય ” થીમ પર બહેનો દ્વારા નાટક રજુ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના મુખ્ય અતિથિ મેયર શ્રીમતી બીનાબેન કોઠારી દ્વારા બહેનોને સમાજમાં દરેક ક્ષેત્રે સંગઠિત બની સમાજના ઉત્થાન કરવા માટે પ્રેરિત કરવામાં આવેલ.મહિલા અને બાળ વિભાગમાંથી જીલ્લા દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી સોનલબેન વર્ણાગર દ્વારા મહિલાઓને પોતાનાં સ્વાસ્થ્ય અંગે જાગૃત રહેવા માટે પ્રેરણા આપવામાં આવી હતી. શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા દ્વારા મહિલાઓને સશક્ત બનવા તથા સમાજમાં આગળ પડતું સ્થાન લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવેલ. હેડ પોસ્ટ ઓફીસમાંથી પધારેલ સુપરવાઈઝર છાયાબેન જોષી દ્વારા શ્રમિક સુરક્ષા વીમા યોજના વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમમાં આંગણવાડીના બેહનો દ્વારા પોષણયુક્ત કુલ ૪૮ પ્રકારની વિવિધ વાનગીઓનું નિદર્શન કરવામાં આવેલ હતું. જે અતિથિઓએ નિહાળી બેહનોની બનાવેલ વાનગીઓની પ્રસંશા કરી હતી. મહિલા અને બાળ આરોગ્ય ઉજવણી નિમિતે વિવિધ આરોગ્ય કેન્દ્રો પર આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
ફીટ ઇન્ડિયા બાયસિકલ રેલી કસ્તુરબા વિકાસગૃહના પ્રાંગણમાંથી શરૂ કરવામાં આવી હતી. આ રેલીમાં જીલ્લા દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી હંસાબેન ટાઢાણી અને સોનલબેન વર્ણાગર, સી ટીમ, ૧૮૧મહિલા અભયમની ટીમ, ગુ.સા.મહેતા શાળાના શિક્ષકો, જીલ્લા રમત ગમત વિભાગના પ્રતિનિધિઓ ઉપસ્થિત હતા. શાળાની કુલ ૧૨૦ વિદ્યાર્થીનીઓ રેલીમાં જોડાઈ હતી. રેલીના અંતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વિદ્યાર્થીનીઓને છાસ વિતરણ કરવામાં આવી હતી.
જીલ્લા મહિલા અને બાળ વિભાગ દ્વારા ૧ થી તા.૭ ઓગષ્ટ દરમિયાન “નારી વંદન ઉત્સવ”ની ઉજવણી કરવામાં આવી રહી હતી જે અંતર્ગત બેહનો અને કિશોરીઓ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી લગત વિભાગોને સાથે રાખી મહિલાલક્ષી યોજનાઓનો બોહળા પ્રમાણમાં પ્રચાર-પ્રસાર કરી ઉત્સવને સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો.