ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :
યુનિવર્સલ હેલ્થ કવરેજનો ઉદ્દેશ પૂરો પાડવાના પ્રયાસના ઉદ્દેશ સાથે ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના થકી જરૂરિયાતમંદ લોકો નાણાકીય મુશ્કેલીનો સામનો કર્યા વગર તેમની જરૂરિયાતવાળી આરોગ્ય સેવાઓનો લાભ લઈ શકે છે. જેનો જામનગરના પણ અનેક પરિવારોને લાભ મળ્યો છે.
જોડિયા તાલુકાના બાલંભા ગામે રહેતા ૪૦ વર્ષીય રુકમણીબેન દિલીપભાઈ ટાંકને હોઠનું કેન્સર હતું. તેઓને જોડીયાના તાલુકા હેલ્થ ઓફીસર ડો.સંજય સોમૈયા અને બાલંભા આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર ડો.જે.એન.મકવાણાના માર્ગદર્શન હેઠળ કામ કરતી આરોગ્ય ટીમના હેલ્થ વર્કર આંનદભાઈ પરમાર અને આશા કાર્યકર રસીદાબેન ચાવડા દ્વારા PMJAY-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.
બાદમાં તેઓને અમદાવાદ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા અને વિનામૂલ્યે હોઠના કેન્સરનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. તેઓને સેક આપવામાં આવતા હતા તે દરમિયાન હોઠ અને ગળાના ભાગ પર રસી થવાથી રુજ આવતી ન હતી.
બાલંભા આરોગ્ય કેન્દ્રની ટીમ દ્વારા તેઓને પોવીડીન બીટાડીન નામનો મલમ આપવામાં આવ્યો અને તેમને દિવસમાં ૨ વાર આ મલમ લગાવી ડ્રેસિંગ કરવા જણાવ્યું હતું.
રૂકમણીબેનની આ સારવાર ૬ મહિના સુધી ચાલુ રાખવામાં આવી અને હાલમાં તેઓના આરોગ્યમાં ૭૦% સુધારો જોવા મળ્યો છે. દર્દીના કેન્સરના નિદાનથી માંડીને સારવાર વિનામૂલ્યે કરવામાં આવતા પરિવાર દ્વારા સરકાર તેમજ આરોગ્યની ટીમનો ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.