નાગરીકોના પ્રશ્નોનો સત્વરે ઉકેલ લાવવા જામનગરના વિવિધ વિભાગો સાથે બેઠક યોજતા કૃષિમંત્રી રાઘવજી પટેલ

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે નાગરીકોના પ્રશ્નોનુ ત્વરિત નિવારણ આવે તે માટે જિલ્લા કલેક્ટર બી.એ.શાહ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજી જરૂરી ચર્ચા વિચારણા કરી હતી.જે બેઠકમાં મહેસુલ વિભાગ, ડી.આઇ.એલ.આર., માર્ગ અને મકાન, સિંચાઇ, મત્સ્યોદ્યોગ, ક્ષાર અંકુશ સહિતના વિભાગો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

મંત્રીએ આ તકે રોડ પર ડિવાઈડર મુકવા, બિનખેતી થયેલ પ્લોટો માટે અવરજવરના રસ્તાઓ અંગે કાર્યવાહી હાથ ધરવા, જરૂરી ડિવાઈડરો મુકવા, ટ્રાફિક નિવારણ કરવા વિવિધ ગામોની માપણી બાદની સ્થિતિ, જિલ્લામાં સ્ટાફ તથા મશીનરીની ફાળવણી, કમી જાસ્તી પત્રકની વિગતો, સી.સી.રોડના કામો, રસ્તાના પેચવર્કના કામો, સ્ટેટ હાઈવેના અધુરા કામો, હાઈવે પર જંગલ કટીંગનું કામ, રસ્તાના મેટલીંગના કામ, સસોઈ ડેમ કેનાલની બાજુના રસ્તા પર માટી-મોરમ ભરવી, ડેમની કેનાલને કટીંગ કેનાલમાં ફેરવવી, ડેમના હેઠવાસમાં પેચીંગનું કામ કરવું, વિજરખી સિંચાઈ યોજનાની કેનાલને ડીપ કેનાલમાં પરીવર્તીત કરવી, કેનાલ પર નવા પુલીયા બનાવવા, પુરસરક્ષણ દિવાલના કામો, ડેમ તથા તળાવો ઊંડા ઊતારવા, બાલાચડી દરીયાનો પાળો બાંધવો, ખીરી ગામે આવેલ બંધારાની ૨ ફુટ ઉંચાઈ વધારાવી, બંધારા યોજનાના પાળા રીપેર કરવા, નવા ચેકડેમ રીપેર કરવા, ચેકડેમ તથા તળાવ રીપેર કરવા વગેરે જેવી લોકોની રજૂઆતો તથા પ્રશ્નો અંગે લગત અધિકારીઓ સાથે વિસ્તારપૂર્વક ચર્ચા કરી હતી અને સત્વરે યોગ્ય કાર્યવાહી હાથ ધરવા જણાવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા કલેકટર બી.એ.શાહ, અધિક કલેક્ટર બી.એન.ખેર, સર્વે પ્રાંત અધિકારીઓ, કાર્યપાલક ઈજનેરસ્ટેટ તથા પંચાયત, જી.એસ.આર.ડી.સી. સહિત લગત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.