ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :
રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, દ્વારા તા.૧ થી ૭ ઓગસ્ટ દરમિયાન “નારી વંદન ઉત્સવ” ની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે સપ્તાહ દરમિયાન અલગ અલગ દિવસે વિવિધ થીમ પર કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. તા.૫ ઓગસ્ટના રોજ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા કર્મયોગી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સરકારી કચેરીઓમાં ફરજ બજાવનાર મહિલાઓનું અને સમાજમાં વિશિષ્ટ સેવા પ્રદાન કરનાર મહિલાઓનું સમ્માન કરવામાં આવ્યું હતું.
જીલ્લા દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી સોનલબેન વર્ણાગર દ્વારા ICDS શાખના પ્રોગ્રામ ઓફિસર બીનલબેન સુથારનું સમ્માન કરી તેમના કાર્યને બિરદાવવામાં આવ્યું હતું. આ દરમિયાન બીનલબેને જણાવ્યું હતું કે, સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલાઓ અને બાળકો માટે વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. મહિલાઓ માટે અનેક યોજનાઓ પણ અમલમાં છે. મહિલા અને બાળકોના રક્ષણ માટે સરકાર દ્વારા જે યોજનાઓ અને કાયદાઓ બનાવવામાં આવ્યા છે તે માટે આ વિભાગ અગ્રેસર અને સરાહનીય કામગીરી કરી રહ્યું છે.
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મારા સમ્માન બદલ હું પ્રસસન્નતા વ્યક્ત કરું છું : કસ્તૂરબા સ્ત્રી વિકાસ ગૃહના ટ્રસ્ટી અને મંત્રી હીરાબેન તન્ના
સમાજમાં પોતાનું વિશિષ્ટ યોગદાન આપનાર મહિલાઓનું મહિલા કર્મયોગી દિન નિમિતે સમ્માન કરવામાં આવ્યું હતું જેમાં કસ્તૂરબા સ્ત્રી વિકાસ ગૃહના ટ્રસ્ટી અને મંત્રી હીરાબેન તન્નાનું જીલ્લા દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી સોનલબેન વર્ણાગર દ્વારા સમ્માન કરવામાં આવ્યું હતું. તેઓ ૫૫ વર્ષથી કસ્તૂરબા સ્ત્રી વિકાસ ગૃહ સાથે જોડાયેલા છે. વિકાસ ગૃહ દ્વારા મહિલાઓ, કિશોરીઓ, બાળકોને દત્તક લેવાના કાર્યો કરવામાં આવે છે. હીરાબેને મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પોતાનું સમ્માન કરવામાં આવ્યું તે બદલ પ્રસસન્નતા વ્યક્ત કરી હતી.