ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :
જામનગરમાં આવેલી સુપ્રસિદ્ધ સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલની સ્થાપના વર્ષ ૧૯૯૨માં કરવામાં આવી હતી. ત્યારથી શરુઆત કરીને અત્યાર સુધીમાં ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ સંસ્થામાંથી ડેન્ટલ કોર્ષમાં અભ્યાસ કરીને દેશ- વિદેશમાં તેમની સેવા આપી રહ્યા છે. હાલ આ સંસ્થા ખાતે ૭૦૦ જેટલા વિધ્યાર્થીઓ ડેન્ટલ કોર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે. સંસ્થામાં હાલ, દાંત અને મોઢાના રોગોના નિદાનનો વિભાગ, એક્સ-રે વિભાગ, લેબોરેટરી વિભાગ, મેડિકલ સ્ટોર, ચોક્ઠા બનાવવાનો વિભાગ, વાંકા-ચૂંકા દાંતનો વિભાગ, સર્જરી વિભાગ, પેઢાનો વિભાગ, દાંત બચાવવાનો તથા મૂળની સરવારનો વિભાગ, બાળકોના દાંતની સરવારનો વિભાગ ઉપરાંત વ્યસન મુક્તિ કેન્દ્રમાં નિષ્ણાંત દાંતના ડોકટરો દ્વારા દર્દીઓની સારવાર કરવામાં આવે છે.
સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં દર્દીઓને અપાતી માળખાકીય અને તબીબી સુવિધાઓના માપદંડની ચકાસણી અર્થે ગર્વમેન્ટ ઓફ ઈન્ડિયા દ્વારા નિર્મિત આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્ટાન્ડર્ડ રેટિંગ સંસ્થા NABH એટલે કે ‘નેશનલ એક્રેડિશન બોર્ડ ઓફ હોસ્પિટલ એન્ડ હેલ્થ કેર’ ના ચાર સભ્યોની ટીમ દ્વારા ગત તા.૦૩ અને ૦૪ ઓગસ્ટના રોજ સંસ્થાની મુલાકાત લેવામાં આવી હતી.
સદસ્યઓએ હોસ્પિટલની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. કેસ નોંધણીથી લઈને દર્દીઓને અપાતી તમામ પ્રકારની સારવાર તેમજ અલગ- અલગ દાંતના વિભાગોમાં ચાલી રહેલી આરોગ્ય વિષયક કામગીરીની પ્રક્રિયાઓ, જુદા- જુદા વિભાગમાં દર્દીઓ માટેની સુવિધાઓ તેમજ સારવાર માટે આવતા દર્દીઓની સુખાકારીની વ્યવસ્થા સહિતની અન્ય માળખાગત સુવિધાઓનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત બાદ ઈન્સ્પેક્શન ટીમ દ્વારા તૈયાર થયેલા રિપોર્ટસના આધારે NABH જામનગરની સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલને યોગ્યતાના માપદંડો અંગેનું સર્ટિફિકેટ એનાયત કરશે. આ આંતરરાષ્ટ્રીય ક્ક્ષાનું સર્ટિફિકેટ મેળવનાર રાજ્યની એકમાત્ર ડેન્ટલ હોસ્પિટલ બની રહેશે.
ઉલ્લેખનીય છે કે, સંસ્થાના તમામ સ્ટાફ દ્વારા છેલ્લા બે વર્ષથી NABH એક્રેડિશન મેળવવા માટેની જરૂરી તૈયારી હોસ્પિટલ ખાતે કરવામાં આવી રહી હતી. NABHના બધા જ નોમ્સ સંપૂર્ણપણે પરિપૂર્ણ થાય એ હેતુથી તમામ સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી છે. સંસ્થાના ડીન ડો. નયના પટેલ તથા તેમની ટીમ દ્વારા ઇંસ્પેક્શન ટીમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ તેઓને સાથે રાખીને ડેન્ટલ હોસ્પિટલ તથા તેના જુદા- જુદા વિભાગનું બે દિવસ માટે સંપૂર્ણપણે ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. તેમ, સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.