જામનગરમાં ‘નારી વંદન સપ્તાહ’ અન્વયે ‘મહિલા સ્વાવલંબન દિવસ’ ની ઉજવણી થઈ

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

મહિલા અને બાળ વિકાસ વિભાગ, જામનગર દ્વારા ‘નારી વંદન ઉત્સવ’ ની ઉજવણી ગત તા.૦૧ ઓગસ્ટથી કરવામાં આવી રહેલ છે. જામનગર જિલ્લામાં ‘નારી વંદન ઉત્સવ’ ની ઉજવણીના ભાગરૂપે ગત તા.૦૩ ઓગસ્ટના રોજ ‘મહિલા સ્વાવલંબન દિવસ’ ની ઉજવણી હર્ષદપુર ગામ ખાતે કરવામાં આવી હતી. ઉક્ત કાર્યક્રમમાં ૩૧૫ જેટલા બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં, મહિલા સ્વાવલંબન દિવસની થીમ પર આધારિત નાટક રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શ્રમજીવી મહિલાઓના અધિકારો અને કલ્યાણકારી યોજનાઓની જાણકારી અને જાગૃતતા વિશે માહિતી આપવામાં આવી હતી. મહિલાઓ માટે સ્વરોજગાર/લોન મેળો અને સ્વરોજગારલક્ષી વિવિધ વિભાગોના સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં જામનગર આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા કિશોરીઓ માટે ‘વાનગી સ્પર્ધા’ નું આયોજન કરવામાં આવ્યું હતું. વાનગી સ્પર્ધાના 3 વિજેતાઓને પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યા હતા. જિલ્લા કક્ષાએ ઉદ્યોગ સાહસિક મહિલાઓનું સન્માન કરવામાં આવેલ હતું. તેમજ સખી મંડળ દ્વારા ઈ-શ્રમ કાર્ડ વિષે લાભાર્થીઓને માહિતી આપવામાં આવી હતી.

કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ડી.આર.ડી.એ. ડાયરેક્ટ ચૌધરી, હર્ષદપુર ગ્રામ સરપંચ ભાવિશાબેન, દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી સોનલબેન વર્ણાગર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના શોભનાબેન રાઠોડ, આઈ.સી.ડી.એસ. જામનગર ગ્રામ્ય-૧ના અંજનાબેન ઠુમ્મર, મદદનીશ રોજગાર નિયામક સરોજબેન સાંડપા તેમજ અન્ય અધિકારીગણ હાજર રહયા હતા.

આગામી દિવસોમાં મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી અંતર્ગત મહિલા નેતૃત્વ દિવસની થીમ પર નાટક, મહિલા નેતૃત્વ દિવસ નિમિતે રાજકીય, શિક્ષણક્ષેત્રે નેતૃત્વ કરતી અગ્રેસર મહિલાઓનું સન્માન, વિવિધ ક્ષેત્રે નેતૃત્વ કરતી મહિલાઓ સાથે પ્રેક્ષક મહિલાઓનો સંવાદ, પંચાયતી રાજ અને સોશિયલ ઓડીટ પર સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. તેમ, મહિલા અને બાળ અધિકારીની કચેરી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.