રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા બનેલા ચાર બેનમૂન અમૃત સરોવરો બન્યા પ્રવાસન સ્થળ 

ગુજરાત જાણવા જેવું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દરેક જિલ્લામાં 75 અમૃત સરોવરોનું નિર્માણ કરવા અને તેમાં સરકાર ઉપરાંત સ્વૈચ્છિક-સેવાભાવી સંસ્થાઓ , ઉદ્યોગગૃહો વગેરેને યોગદાન આપવા માટે કરેલા આહ્વાનને સ્વીકારીને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ત્રણ જિલ્લાના ચાર સ્થળોએ અમૃત સરોવર નજીક પ્રવાસન યોગ્ય વિકાસ કરીને તેમની કલ્પનાને સાકાર કરવામાં આવી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણીના માર્ગદર્શનમાં જૂનાગઢ, જામનગર અને દ્વારકા જિલ્લામાં ચાર સ્થળોએ બેનમૂન ‘અમૃત સરોવર’નો વિકાસ કરી વહીવટી તંત્રને સોંપવામાં આવ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ધનરાજભાઈ નથવાણીએ અંગત રીતે રસ લઈને પ્રધાનમંત્રીની ‘અમૃત સરોવર’ યોજના અંતર્ગત જૂનાગઢ જિલ્લાના પસવાડા ઉપરાંત જામનગર જિલ્લાના નાની ખાવડી, નવાણીયા, તથા દેવભૂમી દ્વારકા જિલ્લાના સામોર ખાતે અમૃત સરોવરોના નિર્માણ માટે પણ સંપૂર્ણ જવાબદારી સ્વીકારી રિલાયન્સની પ્રણાલીકા મુજબ ઉત્તમ કક્ષાના સરોવરોનું નિર્માણ સંપન્ન કરી લોકાર્પિત કરેલ છે. અમૃત સરોવર બ્યુટીફિકેશન પ્રોજેક્ટમાં પેવર બ્લોક સાથે ભોંયતળિયું તૈયાર કરાવવાનો, ધ્વજ ફરકાવવાની વ્યવસ્થા તથા બેન્ચની સ્થાપના અને વૃક્ષારોપણનો સમાવેશ થાય છે.

જૂનાગઢના જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વિકસાવાયેલું પસવાડા ખાતેનું ‘અમૃત સરોવર’ સમગ્ર જૂનાગઢ જિલ્લામાં અદ્વિતીય હોવાનું જણાવીને જિલ્લાના તેમજ અન્ય સહેલાણીઓ ગિરનારની ગોદમાં આવેલા આ અમૃત સરોવરનો પ્રવાસન સ્થળ તરીકે લાભ લઈ રહ્યાં હોવાનું ઉમેર્યું છે. જિલ્લા વિકાસ અધિકારીએ આ ‘અમૃત સરોવર’ની રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ પણ નોંધ લેવાઈ હોવાનું ગૌરવ વ્યક્ત કરીને ગુજરાત ખાતેના લોક કલ્યાણની આ કામગીરીમાં રિલાયન્સના યોગદાનને બિરદાવ્યું છે. અહીં ગ્રામજનો, સરકાર , શાળા અને રિલાયન્સના પ્રતિનિધિઓની હાજરીમાં ધ્વજવંદન કરવામાં આવે છે. પસવાડાના સરપંચ જયસિંહ ભાટી અને ગ્રામજનો પણ અમૃત સરોવરના નિર્માણથી ખૂબ પ્રસન્ન છે અને નજીકમાં આવેલા પ્રસિદ્ધ સરકડીયા હનુમાનજીના દર્શને આવતા પ્રવાસીઓ પણ ખાસ આ સરોવરનું સૌંદર્ય માણતા હોવાથી ગામમાં એક અનોખું વાતાવરણ સર્જાયું હોવાનો આનંદ વ્યક્ત કરે છે.