ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :
રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તા. ૧ થી ૭ ઓગસ્ટ દરમિયાન ‘નારી વંદન ઉત્સવ’ ની ઉજવણી કરાઈ રહી છે. જેમાં દરરોજ અલગ-અલગ થીમ પર આધારિત વિશેષ દિનની ઉજવણી કરવામાં આવશે. જેમાં, મહિલા સુરક્ષા દિવસ, બેટી બચાવો બેટી પઢાવો, મહિલા સ્વાવલંબન દિવસ, મહિલા નેતૃત્વ દિવસ, મહિલા કર્મયોગી દિવસ તેમજ મહિલા અને બાળ આરોગ્ય દિવસ જેવી વિવિધ થીમ પર આધારિત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.
તે અંતર્ગત, જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા કસ્તુરબા વિકાસ ગૃહ ખાતે ગત તા. ૧ ઓગસ્ટના નારી વંદન ઉત્સવ ઉજવણીના ભાગરૂપે પ્રથમ દિવસે ‘મહિલા સુરક્ષા દિવસ’ ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગુ.સા. મહેતા કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીઓ માટે મહિલા જાગૃતિ રેલી, મહિલા સુરક્ષાની થીમ પર આધારિત નાટક અને સેલ્ફ ડિફેન્સ નિર્દેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલાઓને લગતા કાયદાની વિગતવાર માહિતી સાથે મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાની માહિતી આપવામાં આવી હતી. ૧૮૧ અભય મહિલા હેલ્પલાઇન ડેમોસ્ટ્રેશન, સખી સેન્ટર અને મહિલા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ જાડેજા દ્વારા શી ટીમની માહિતી અપાઇ હતી. ૧૬૦ જેટલા વિદ્યાર્થીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહયા હતા.
કાર્યક્રમમાં, જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી સોનલબેન વર્ણાગર, પોલીસ વિભાગમાંથી એસ.પી.ગોરડીયા, જે.એન.ઝાલા, નયનાબેન ગોરડીયા, કે.એન.જાડેજા, એ.આર.રાવલ, પ્રોજેક્ટ કન્સલ્ટન્ટ એચ.બી.ગોહિલ, કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહના પ્રમુખ કરસનભાઈ ડાંગર અને ગુ.સા. મહેતા કન્યા વિદ્યાલયના આચાર્ય હીનાબેન તન્ના ઉપસ્થિત રહયા હતા. તેમજ, આગામી દિવસોમાં બેટી બચાવો બેટી પઢાવો દિવસની ઉજવણી અંતર્ગત કિશોરી મેળા, વ્હાલી દીકરીના યોજનાના મંજુરી હુકમોનું વિતરણ, નાટક શો, P.C. & P.N.D.T. એક્ટ વિશે વર્કશોપ અને ચિત્ર સ્પર્ધા જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તેમ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.