જામનગર જિલ્લાના 8,799થી વધુ ખેડૂતોએ બાયગેસના માધ્યમથી પ્રાકૃતિક ખેતી અંગે રાજ્યપાલ પાસેથી માર્ગદર્શન મેળવ્યું

ગુજરાત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યભરમાંથી ખેડૂતો, શિક્ષકો આ પરિસંવાદમાં વંદે ગુજરાત ચેનલ તથા સોસીયલ મીડિયાના માધ્યમથી જોડાયા હતા. આ પ્રસંગે ખેડૂતોને માર્ગદર્શન આપતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. દેશની પ્રથમ પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીની સ્થાપના ગુજરાતની ધરતી ઉપર થઈ છે. રાજ્યપાલએ દેશના વડાપ્રધાનનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે, વડાપ્રધાન ઈચ્છે છે કે દેશના ખેડૂતો સમૃદ્ધ બને અને ખુશીથી જીવન વ્યતિત કરે.

પ્રાકૃતિક ખેતી વિશે વધુ માર્ગદર્શન આપતા રાજ્યપાલએ ઉમેર્યું હતું કે, રાસાયણિક ખેતીના ખરાબ પરિણામો હાલ જોવા મળી રહ્યા છે. રાસાયણિક ખેતીના લીધે ખેડૂતોના ઉત્પાદનમાં ઘટાડો થયો છે અને તેમની આવક પણ ઘટી છે. જેના લીધે ખેડૂતોના માથે દેવુ થઈ રહ્યું છે. આથી રાજ્યપાલએ ઉપસ્થિત સૌ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે અનુરોધ કર્યો હતો. રાજ્યપાલએ ખેડૂતોને આશ્વાસન આપતા જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતી કરવાથી ઉત્પાદનમાં ઘટાડો થાય છે એ વાત મિથ્યા છે. રાજ્યપાલએ પોતાના પ્રાકૃતિક ખેતીના અનુભવો વિશે વાત કરીને મહત્તમ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે બાબત ઉપર ભાર મૂક્યો હતો. આવકમાં કોઈપણ પ્રકારના ઘટાડા વિના કેવી રીતે પ્રાકૃતિક ખેતી થઈ શકે તે બાબતે રાજ્યપાલએ માર્ગદર્શન આપ્યું હતું.

રાજ્યપાલએ પ્રાકૃતિક ખેતીની સમજણ સાથે ખેત પેદાશોનું વેચાણ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા જગ્યાઓ નક્કી કરવામાં આવનારી છે તેના વિશે પણ માહિતી આપી હતી. રાજ્યપાલએ ઉમેર્યું હતું કે, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ખેત-પેદાશોનો યોગ્ય ભાવ મળી રહે તે માટે સ્થાનિક કક્ષાએ અલાયદી માર્કેટ ઊભી કરવામાં આવશે. આ ઉપરાંત, રાજ્યપાલએ કેવી રીતે જીવામૃત બનાવવું, ઘનામૃત બનાવવું તેની તાલીમ લેવા ખેડૂતોને અપીલ કરી હતી. પ્રાકૃતિક ખેતી કલ્યાણકારી છે તે વાતને સમજાવવા માટે રાજ્યપાલએ પોતાના કુરુક્ષેત્ર ખાતેના પ્રાકૃતિક ખેતી ફાર્મના વિવિધ વીડિયો દર્શાવીને ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું. ગુજરાતમાં ૭.૧૩ લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે તેવું રાજ્યપાલએ જણાવ્યું હતું. મહત્તમ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાઈને તાલીમ લઈ શકે તે માટે ૧૦-૧૦ ગામડાઓના કલસ્ટર બનાવીને ટ્રેનરની નિમણૂક કરવામાં આવી છે તેમ રાજ્યપાલએ ઉમેર્યું હતું.

વર્તમાન સમયમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો અન્ય ખેડૂતોને પણ પોતાની સાથે જોડે અને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપે એવો અનુરોધ રાજ્યપાલએ કર્યો હતો. રાજ્યપાલએ વધુમાં જણાવ્યું હતું કે આત્મનિર્ભર ભારત ત્યારે જ બનશે જ્યારે દેશનો ખેડૂત આત્મનિર્ભર બનશે. પ્રાકૃતિક ખેતી એક ઈશ્વરીય કાર્ય છે અને તેનાથી ખેડૂતના આર્થિક ઉપાર્જનમાં વધારો થાય છે તેવું રાજ્યપાલએ જણાવ્યું હતું.

આ પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં જામનગર જિલ્લામાં કુલ 8,799 જેટલા ખેડૂતોએ જોડાઈને રાજ્યપાલ પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું. જિલ્લામાં આત્મા તાલીમ કેન્દ્ર, ગ્રામ પંચાયત, શાળાઓ સહિતના સ્થળોએ ખેડૂતોએ, શિક્ષકોએ આ પરિસંવાદને નિહાળ્યો હતો. વિસ્તરણ કેન્દ્ર ખાતે આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર બી.એમ.આગઠ ઉપસ્થિત રહ્યા હતા.