જામનગર ICDS શાખા દ્વારા જિલ્લા કક્ષાની મિલેટ્સ સ્પર્ધા સંપન્ન

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

ભારત સરકારનાં પ્રયત્નોથી વર્ષ-૨૦૨૩ને આંતરરાષ્ટ્રીય મીલેટસ વર્ષ તરીકે પસંદ કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઇ ચનીયારાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાની મિલેટ્સ સ્પર્ધાનું આયોજન દેવરાજદેપાળ હાઇસ્કૂલમાં કરવામાં આવ્યું હતું.

દેશ-દુનિયામાં ફાસ્ટફૂડનું પ્રમાણ વધી રહ્યું છે અને પોષણયુક્ત ભોજનનું પ્રમાણ ઘટી રહ્યું છે, ત્યારે લોકોમાં ખાસ કરીને બાળકોમાં વિટામીન, આયર્ન, કેલ્શિયમ વગેરે જેવા પોષક તત્વની ઉણપ જોવા મળે છે. જેના કારણે તેઓ વારંવાર બિમાર પડે છે. સાથોસાથ શારીરિક અને માનસિક નબળાઈ પણ આવે છે. ભારતદેશમાં એક કરતા વધુ અનાજ પાકે છે. આ કુદરતી રીતે પાકેલા અનાજ પોષક તત્વથી ભરપૂર અને સ્વાસ્થ્યવર્ધક છે. જેના થકી બાળકોમાં કુપોષણનું પ્રમાણ ઘટે છે. આ અનાજ પોષણનું પાવરહાઉસ છે, જે હૃદયના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે અને કોરોનરી બ્લોકેજને અસરકારક રીતે ઘટાડી શકે છે.

પૌષ્ટિક ખોરાકથી લોકો અવગત થાય અને તે તરફ વળે તે માટે ભારત સરકારે આંતરરાષ્ટ્રીય મિલેટસ વર્ષની શરૂઆત કરી છે. જેમાં હાલ ગુજરાત રાજ્યમાં અલગ અલગ જિલ્લામાં મિલેટસ સ્પર્ધાઓ ચાલી રહી છે. આ આંતરરાષ્ટ્રીય મિલેટસ સ્પર્ધા અંતર્ગત જામનગર આઈ.સી.ડી.એસ. શાખા દ્વારા જિલ્લા કક્ષાની મિલેટ્સ વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગર જિલ્લાના ૬ તાલુકાના ૭ ઘટકની આંગણવાડીની બહેનો દ્વારા અલગ અલગ વાનગીઓ બનાવવામાં આવી હતી.

આ સ્પર્ધામાં બનાવેલ વાનગીઓની રેસીપી અને વાનગી બનાવનાર બહેનોના ફોટા સાથેની એક બુકલેટ બનાવવામાં આવશે. જેથી લોકો સરળતાથી મિલેટ્સમાંથી વાનગી બનાવી શકશે. આપણે બધાએ મળીને મિલેટ્સમાંથી બનેલ વાનગીને વેગ આપવો જોઈએ. તેમજ આંગણવાડીના બાળકો આ વાનગી વધુમાં વધુ ખોરાકમાં લે તે માટેની પ્રવૃતિ હાથ ધરવી જોઇએ.

આંગણવાડી બહેનોને ૧ થી ૩ નંબર આપવામાં આવ્યા હતા તેમજ બહેનોને ઈનામ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રથમ ક્રમ મેળવનાર દ્વારા રાગીના કુકીઝ, દ્વિતીય ક્રમ મેળવનાર દ્વારા મિલેટ્સના પિઝા તથા તૃતીય ક્રમ મેળવનાર દ્વારા બાજરી અને જુવારની ઈડલી બનાવવામાં આવી હતી. મિલેટ્સમાંથી આંગણવાડીની બહેનોએ મિલેટ્સનો હાંડવો, મિલેટ્સના પિઝા,બાજરીની ચાટ, રાગીના લાડુ, રાગીના ઢોસા, બાજરીની ઈડલી, વગેરે જેવી વાનગીઓ બનાવી હતી. જે દર્શાવે છે કે, ચટપટું ભોજન પણ પોષ્ટીક મિલેટ્સમાંથી બનાવી શકાય છે. તો ચાલો આપણે પણ લોકોને જગાડીએ અને ફાસ્ટ ફૂડના માયાજાળથી બચાવીએ.

શ્રી અન્ન એટલે કે મિલેટ્સ સ્પર્ધા કાર્યક્રમમાં, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, કારોબારી ચેરમેન ભરતભાઈ બોરસદીયા, ICDS ચેરમેન હર્ષદીપભાઈ સુતરીયા, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર બિનલબેન સુથાર, ખેતીવાડી અધિકારી, ૭ ઘટકના બાળવિકાસ અધિકારી, તમામ મુખ્ય સેવિકા તેમજ ICDS શાખાનાં જિલ્લા કક્ષાના સંપુર્ણ સ્ટાફે યોગદાન આપી કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. આ વાનગી સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ડૉ. ફોરમ પરમાર, ડૉ અંકિતા સોલંકી અને હીનાબેન તન્નાએ રહ્યા હતા. અને લોકોને મીલેટસને પોતાના રોજિંદા જીવનમાં સ્થાન આપવા માટે અનુરોધ કર્યો હતો.