“મારી માટી, મારો દેશ” અભિયાન શરૂ થશે, ચીફ સેક્રેટરીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ વિડીયો કોન્ફરન્સમાં જામનગર જિલ્લાના અધિકારીઓ જોડાયા

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત આગામી તા.૯ ઓગસ્ટથી મારી માટી,મારો દેશ અભિયાનનો પ્રારંભ કરવામાં આવશે. જેમાં ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં કયા પ્રકારે આયોજન હાથ ધરી કાર્યક્રમો કરવા તે અંગે ચીફ સેક્રેટરી રાજકુમારના અધ્યક્ષ સ્થાને વિડીયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિડીયો કોન્ફરન્સમાં જામનગર જિલ્લા કલેકટર કચેરી ખાતેથી પણ વિવિધ વિભાગના પદાધિકારીઓ અને અધિકારીઓ જોડાયા હતા.

મારી માટી, મારો દેશ, માટીને નમન વિરોને વંદન અભિયાન હેઠળ સમગ્ર રાજ્યમાં વિવિધ કાર્યક્રમો તા.૯ ઓગસ્ટથી હાથ ધરવામાં આવશે. જે અંતર્ગત જામનગર જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ, તાલુકા કક્ષાએ અને શહેરી વિસ્તારમાં પણ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવશે. વિવિધ સ્થળો પર દેશ માટે બલિદાન આપનાર વિરોને નમન કરી તેમના પરિવારોનું સમ્માન તેમજ ધરતી માતાનું ઋણ અદા કરવાના ભાગરૂપે માટીને નમન કરી શપથ ગ્રહણના કાર્યક્રમો કરવામાં આવશે. જિલ્લા કક્ષાએ કાર્યક્રમોનું કયા પ્રકારે આયોજન કરવું અને જે તે વિભાગે કઈ પ્રવૃતિઓ કરવી તે અંગે ચીફ સેક્રેટરી દ્વારા સૂચનો આપવામાં આવ્યા હતા.

આ વિડીયો કોન્ફરન્સમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું, નિવાસી અધિક કલેકટર બી.એન.ખેર તેમજ વિવિધ વિભાગના પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા.