ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :
એક માનસિક અસ્વસ્થ મહિલા જામનગરના આશાપુરાનગર વિસ્તાર પાસે બે કલાકથી બેઠા હોવા અંગેની જાણ એક જાગૃત નાગરિકે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનને કરેલ.જેથી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇને બહેનની સુરક્ષા અને સલામતીને ધ્યાને રાખીને જામનગર સખી વન સ્ટોપ સેન્ટર પર લઇ આવવામાં આવેલ અને ૧૮૧ની ટીમે જણાવેલ કે બહેન ભૂલા પડી ગયેલ છે અને માનસિક રીતે અસ્વસ્થ જણાય છે. બહેન અન્ય કોઈ પ્રતિસાદ આપતા ન હોય તથા તે જે ભાષા બોલતા હોય તે સમજ ન આવતી હોવાથી તેને આશ્રય માટે “સખી’ વન સ્ટોપ સેન્ટરમાં મુકવામાં આવ્યા હતાં.
સેન્ટરના કેન્દ્ર સંચાલક હેતલબેન અમેથીયા દ્વારા માનસિક અસ્વસ્થ બહેનનું કાઉન્સેલિંગ કરતા બહેનની ભાષા સમજાતી ન હોય, તેમજ બહેન નેપાળી ભાષામાં પોતાની સમસ્યા વર્ણવતા હોય ત્યારે માત્ર એટલું જાણવા મળેલ કે બહેન મૂળ નેપાળના વતની છે, તેમજ બહેન સતત બોલ-બોલ કરતા હોય અને ગેરવર્તન કરતા હોય તે માનસિક અસ્વસ્થ છે, તેથી સેન્ટરના કર્મચારીઓ દ્વારા બહેનને માનસિક શાંત્વના આપી સેન્ટરના યોગ્ય વાતાવરણમાં ઢાળવામાં આવેલ. માનસિક અસ્વસ્થ બહેન ગુજરાતી કે હિન્દી ભાષા સમજતા ન હતા, તેથી “સખી” વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલકે મોબાઇલના માધ્યમથી નેપાળી સમાજના ટ્રસ્ટીનો સંપર્ક કર્યો અને તેમની સાથે બહેનની વાતચીત કરાવી, ત્યારબાદ બહેનને હળવાશની અનુભૂતિ થઇ, તેથી “સખી” વન સ્ટોપ સેન્ટરના કેસવર્કર શિવાંગીબેન ગોસાઈ દ્વારા બહેનને સહાનુભુતી અને હુંફ આપેલ, તેમજ બહેનને સેન્ટર દ્વારા વિશ્વાસ અપાવેલ કે બહેનને તેમના પરિવાર સાથે પુન:મિલન કરાવશે. સેન્ટરના કર્મચારીઓ દ્વારા નેપાળ સમાજના ટ્રસ્ટી સાથે વાતચીત કરેલ અને વહેલી તકે બહેનના પરિવારનો સંપર્ક સાધવા અનુરોધ કરેલ,
સેન્ટર દ્વારા સોશ્યલ મીડિયાના માધ્યમથી માનસિક અસ્વસ્થ બહેનનો ફોટો નેપાળ સમાજના ટ્રસ્ટીને મોકલેલ જેથી કરીને બહેનના પરિવારજનોનો સંપર્ક સાધવો સરળ રહે, ત્યારબાદ નેપાળના ટ્રસ્ટી દ્વારા તેમના સમાજ સાથે વાતચીત કરેલ અને તેમને જણાવેલ કે બહેનના પરિવારજનો હાલ જામનગરમાં જકાતનાકા, ગોકુલનગર, સીતારામ સોસાયટીમાં રહે છે.આમ, ગણતરીની કલાકો માં જ બહેનના પરિવારજનોનો સંપર્ક સાધી પરિવારને સેન્ટર પર આવવા જણાવેલ. માનસિક અસ્વસ્થ બહેનના પરિવારજનો બહેનને લેવા સેન્ટર પર આવેલ અને પરિવારજનો સાથે વાતચીત કરતા તેઓએ જણાવેલ કે બહેન વારંવાર જાણ કર્યા વગર ઘરની બહાર નીકળી જતા હોય, તેથી સેન્ટર દ્વારા બહેનની યોગ્ય સાર-સંભાળ લેવા તેમજ બહેન માનસિક અસ્વસ્થ હોવાથી માનસિક આરોગ્ય કેન્દ્રમાં બહેનની યોગ્ય સારવાર કરવા જણાવેલ, સેન્ટર દ્વારા બહેનને પણ સમજાવેલ કે ઘરેથી કહ્યા વગર વારંવાર ન નીકળી જવું જોઈએ. આમ, જામનગર “સખી” વન સ્ટોપ સેન્ટરના સતત પ્રયાસોથી ગણતરીની કલાકોમાં બહેનનું તેના પરિવાર સાથે પુનઃમિલન કરાવેલ બહેનના પરિવારજનો એ જામનગર “સખી” વન સ્ટોપ સેન્ટરના તમામ કર્મચારીઓનો હદયપૂર્વક આભાર વ્યકત કર્યો હતો.