ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :
જામનગર જિલ્લા હોમગાર્ડઝ દળ દ્વારા હોમગાર્ડઝ જવાનોના પ્રમોશન માટે એન.ઓ.સી. રેંક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. હોમગાર્ડઝ જવાનોને રાજ્યકક્ષાના બેઝીક, એડવાન્સ અને લીડરશીપના 12થી 15 દિવસના કેમ્પમાં તાલીમ મેળવવા માટે મોકલવામાં આવતા હોય છે. જે જવાનો દ્વારા ઉક્ત કેમ્પમાં તાલીમ સત્ર પૂર્ણ કરવામાં આવ્યું હોય, તો તેમને રેંક પ્ર્મોશન આપવામાં આવતું હોય છે. આ પ્રક્ર્રિયા દરમિયાન, નિયત લાયકાત, બંદોબસ્ત, ફરજો, સર્ટિફિકેટ અને પરેડની હાજરી તપાસ્યા બાદ જિલ્લા પસંદગી કમિટી દ્વારા ઉમેદવારો નક્કી કરવામાં આવે છે.
એન.ઓ.સી. રેંક ટેસ્ટમાં મેદાની, લાઠી, રાયફલ, પદ કવાયત, શિસ્ત, ડ્રેસ ટનઆઉટ, બૌદ્ધિક અને લેખિત- આ વિવિધ પ્રકારની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટેસ્ટમાં સમગ્ર જિલ્લામાંથી હોમગાર્ડઝ જવાનોએ ભાગ લીધો હતો. હોમગાર્ડઝ માનદ દળના જવાનોને પ્રમોશન મળે, ઉત્સાહ જળવાય રહે અને તેમનું મોરલ લેવલ અપ થાય તે હેતુસર વડી કચેરીના માર્ગદર્શન અને સુચના અનુસાર ઉક્ત પરીક્ષા કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
કાર્યક્રમ દરમિયાન, જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ સુરેશ જે.ભીંડી, વડી કચેરીના પ્રતિનિધિ એમ.બી.ખિલેરી, સ્ટાફ ઓફિસર લીગલ જી.એલ.સરવૈયા, સીટી સી યુનિટના ઓફિસર કમાન્ડિંગ એચ.એ.જાડેજા, ધ્રોલ યુનિટના ઓફિસર કમાન્ડિંગ જે.કે.પરમાર, કાલાવડ યુનિટના ઓફિસર કમાન્ડિંગ પી.કે.મેવાડા, અલિયાબાડાના ઓફિસર કમાન્ડિંગ એન.બી.જાડેજા, પ્લાટુન કમાન્ડર વાય.કે.વ્યાસ, કે.બી.જેઠવા અને અન્ય અધિકારીગણ ઉપસ્થિત રહયા હતા.