ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :
ગુજરાત રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ અને આબોહવા પરિવર્તન વિભાગના મંત્રી મુળુભાઈ બેરાએ લાલપુર તાલુકાના પૂરથી અસરગ્રસ્ત થયેલા વિસ્તારોની મુલાકાત લીધી હતી.
જામનગર જિલ્લામાં છેલ્લા 3 દિવસથી પડી રહેલા ભારે વરસાદને પગલે જામજોધપુર, કાલાવડ અને લાલપુર તાલુકામાં નુકસાની થવા પામી છે. લાલપુરમાં ઢાંઢર નદીના કાંઠાના વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિના પરિણામે લોકોને નુકસાની થવા પામી છે.
મંત્રીએ અસરગ્રસ્તોને રૂબરૂ મળીને તેમની રજૂઆતો સાંભળી હતી. તેમને શક્ય એટલી તમામ સહાય અને મદદરૂપ થવા માટે જણાવ્યું હતું. મંત્રીએ અધિકારીઓને અન્ય લોકોને સલામત સ્થળે ખસેડવા માટેની સૂચના આપી હતી. તેમજ આ કપરી ઘડીમાં સરકાર લોકોની સાથે છે, અને કોઈએ ચિંતા કરવાની જરૂર નથી, તેમ જણાવ્યું હતું. તેમણે અસરગ્રસ્ત વિસ્તારોમાં થયેલા નુકસાનનો તાગ મેળવ્યો હતો.
મુલાકાત દરમિયાન, લાલપુર તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીગણ, લાલપુરના ગ્રામજનો અને અરજદારો ઉપસ્થિત રહયા હતા.